આમચી મુંબઈ

કેન્ટીનના કર્મચારીની મારપીટ: શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડ વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં એમએલએ હૉસ્ટેલ ખાતે કેન્ટીનના કર્મચારીની મારઝૂડ કરવાના આરોપસર શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડ અને તેના સમર્થક વિરુદ્ધ શુક્રવારે બિનજામીપાત્ર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

નાના ગુનાઓમાં બિનજામીનપાત્ર કેસ નોંધવામાં આવે છે. પોલીસ આવા કેસમાં કોર્ટના વોરન્ડ વિના ધરપકડ નહીં કરી શકે.
આકાશવાણી એમએલએ હોસ્ટેલ ખાતે કેન્ટીનમાં ‘વાસી ખોરાક’ પીસરવા બદલ ગાયકવાડ અને તેના સમર્થકે મંગળવારે રાતે ત્યાંના કર્મચારીની મારપીટ કરી હતી.

આપણ વાંચો: સ્કૂટર પર ટ્રિપલ-સીટ જનારી યુવતીઓની કોન્સ્ટેબલે મારઝૂડ કરી: બાદમાં માફી માગી

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં બુલઢાણાના બે વખતના વિધાનસભ્ય ગાયકવાડ કેન્ટીનના કર્મચારીને મુક્કા તથા લાફા મારતા નજરે પડે છે. આ ઘટનાને પગલે રાજ્યભરમાં રોષ ફેલાયો હતો.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના પક્ષ સાથે જોડાયેલા ગાયકવાડે આ અંગે માફી માગવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે જો જરૂર પડે તો તેઓ પોતાનું કૃત્ય ફરીથી દોહરાવશે.

દરમિયાન પોલીસે કેન્ટીનના કર્મચારીને ફરિયાદ નોંધાવવી હોય તો આગળ આપવા માટે કહ્યું હતું. જોકે તે ફરિયાદ નોંધાવવા ગયો નહોતો.

આપણ વાંચો: હાલોલથી ઝડપાયો લાંચિયો PSI; આરોપી સાથે મારઝૂડ નહિ કરવા માંગી 1 લાખની લાંચ

વીડિયો ફૂટેજ તપાસવામાં આવ્યા બાદ પોલીસ અધિકારી દ્વારા રાજ્ય વતી મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં વિધાનસભ્ય અને તેના સમર્થક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. વિધાનસભ્ય અને તેના સમર્થક સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ બિનજામીનપાત્ર કેસ દાખલ કર્યો હતો.

રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ઘટનાની તપાસ શરૂ કરવા વિધિસર ફરિયાદ નોંધાવવા માટે પોલીસે વાટ જોવાની કોઇ જરૂર નથી. પોલીસે તપાસ શરૂ કરવી જોઇએ અને જો તે દખલપાત્ર ગુનો હોય તો તેમણે યોગ્ય પગલાં લેવાં જોઇએ.

ઉલ્લેખનીય છે કે ગાયકવાડે હોસ્ટેલની કેન્ટીનમાંથી પોતાની રૂમમાં જમવાનું મગાવ્યું હતું. તેમાં દાળ વાસી હોવાનું જણાયા બાદ તેમણે કેન્ટીનના મેનેજરને આ અંગે પૂછ્યું હતું અને ત્યાર બાદ કર્મચારીની મારપીટ કરી હતી. દરમિયાન બુધવારે એફડીએ દ્વારા કેન્ટીની તપાસ કર્યા બાદ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનું કારણ આપીને કેન્ટીન ચલાવનાર કેટરરનું લાઇસન્સ નિલંબિત કર્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button