કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટેનું રાજીનામું: ભાજપમાં જોડાય તેવી શક્યતા…

પુણે: મહારાષ્ટ્રમાં શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પુણે જિલ્લાના ભોર મતવિસ્તારનું ત્રણ વખત પ્રતિનિધિત્વ કરનારા સંગ્રામ થોપટેને 2024ની વિધાનસભા ચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર શંકર માંડેકર સામે હારનો સામનો કરવો પડ્યો હતો
કોંગ્રેસની પરંપરામાં મૂળ ધરાવતા થોપટે પાર્ટીના દિગ્ગજ નેતા અનંતરાવ થોપટેના પુત્ર છે, જેમણે છ વખત ભોરનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
‘મેં મારું રાજીનામું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકાળ અને મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલાને સુપરત કર્યું છે,’ એમ થોપટેએ શનિવારે ફોન પર જણાવ્યું હતું. તેમણે શુક્રવારે રાજીનામું આપ્યું અને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરના કવર ઇમેજ પરથી કોંગ્રેસનો લોગો દૂર કર્યો હતો. તેમની યોજનાઓ વિશે પૂછવામાં આવતા, થોપ્ટેએ કહ્યું કે તેઓ રવિવારે તેમના સમર્થકો સાથે ચર્ચા કરશે.
બીજી તરફ થોપટેના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે, ‘અનંતરાવ થોપટે પાર્ટીના વરિષ્ઠ નેતા છે. થોપટે પરિવારનો લાંબા સમયથી કોંગ્રેસનો વારસો રહ્યો છે. સંગ્રામ થોપટેએ તે વારસો આગળ ધપાવવો જોઈએ. સપકાળે એવો દાવો કર્યો હતો કે જ્યારે એમવીએ સત્તામાં હતી ત્યારે નાના પટોલેએ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ કોંગ્રેસ વિધાનસભા અધ્યક્ષ પદ માટે સંગ્રામ થોપટેને મેદાનમાં ઉતારવા માગતી હતી, પરંતુ (તત્કાલીન વિપક્ષી નેતા) દેવેન્દ્ર ફડણવીસે તત્કાલીન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પર દબાણ કરીને તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
‘ફડણવીસે કોશ્યારી પર સ્પીકરની ચૂંટણી મુલતવી રાખવા દબાણ કર્યું હતું, પરિણામે થોપટે પદ સંભાળી શક્યા નહોતા, એમ તેમણે કહ્યું હતું. ફેબ્રુઆરી 2021માં પટોલેએ રાજીનામું આપ્યા પછી વિધાનસભા અધ્યક્ષનું પદ ખાલી પડી ગયું. જુલાઈ 2022માં ભાજપના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર સ્પીકર બન્યા હતા. જો થોપટે સ્પીકર બન્યા હોત, તો આ રાજકીય પરિસ્થિતિ ટાળી શકાઈ હોત. ફડણવીસે જ થોપટે સાથે અન્યાય કર્યો હતો. તેમણે ફડણવીસના પ્રભાવમાં ન આવવું જોઈએ જેણે તેમની ચૂંટણીમાં હાર સુનિશ્ચિત કરી હતી,’ એમ સપકાળે પત્રકારોને જણાવ્યું હતું.
થોપટે હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળો વચ્ચે સપકાળનો દાવો આવ્યો છે.પુણે જિલ્લાના ભોરના ભૂતપૂર્વ વિધાનસભ્યને તેમનો વિચાર બદલાવવાના પ્રયાસમાં, સપકાળે કહ્યું હતું કે તેમણે તેમના પરિવારનો સંઘર્ષનો વારસો કેળવવો જોઈએ.
આપણ વાંચો : ભાજપ મહારાષ્ટ્રને રણમાં ફેરવી રહ્યું છે: આદિત્ય ઠાકરે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા બદલ સરકારની ટીકા કરી…