સાંગલીમાં IT નોકરી છોડી સેનામાં જોડાયેલા યુવાને તાલીમ વખતે જીવ ગુમાવ્યો…

સાંગલી: ભારતીય સૈન્યમાં જોડાવું એ ગર્વ અને ગૌરવની વાત છે. ગામડાના ઘણા છોકરાઓ આજે પણ લશ્કરી ગણવેશ પહેરી શકાય એ માટે દિવસ રાત મહેનત કરી ભરતી માટે તૈયારી કરે છે. જોકે, સૈન્યમાં લેફટનન્ટ પદ પર ભરતી થયેલા એક યુવાન સૈનિકના મૃત્યુની દુઃખદ ઘટના જાણવા મળી છે.
સાંગલી જિલ્લાના પલુસ ગામના પનોતા પુત્ર લેફ્ટનન્ટ અથર્વ સંભાજી કુંભારની 26 વર્ષની ઉંમરે ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ તરીકે વરણી કરવામાં આવી હતી. દેશની સેવા કરનારા આ સૈનિકને શ્રદ્ધાંજલિ આપતી વખતે વ્યથિત સૈન્ય દળ અને ગ્રામજનોની આંખમાં આંસુ આવી ગયા હતા. જાણવા જેવી વાત એ છે કે, તેણે ભારતીય સૈન્યમાં જોડાવવા માટે યુવાને આઇટી કંપનીની નોકરી છોડી દીધી હતી.
લેફ્ટનન્ટ તરીકે સેનામાં જોડાયા બાદ ટ્રેનિંગ દરમિયાન દોડતા 20 કિલોમીટરનો અંતિમ તબક્કો પૂરો કરતી વખતે લેફ્ટનન્ટ અથર્વ કુંભારનું અચાનક નિધન થયું હતું. અથર્વ કુંભારના અચાનક દુઃખદ અવસાનને કારણે આસપાસનો વિસ્તાર શોક્ગ્રસ્ત થયો છે. મંગળવારે ભારત માતા કી જય. વીર જવાન તુજે સલામ. સૂત્રોચ્ચાર સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આઇટી કંપની ઇન્ફોસિસમાં બે વર્ષ કામ કર્યા બાદ અથર્વએ નોકરી છોડી સૈન્યમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સીધા જ લેફ્ટનન્ટના હોદ્દા પર ભરતી કરવામાં આવ્યા હતા, ત્રણ મહિના પહેલા જ તેમણે બિહારના ગયામાં આવેલી ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં લેફ્ટનન્ટ રેન્ક માટે ટ્રેનિંગ શરૂ કરી હતી. જોકે, ટ્રેનિંગ દરમિયાન હીટ સ્ટ્રોકના કારણે અર્થવનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.