આમચી મુંબઈમહારાષ્ટ્ર

રક્તચંદનની દાણચોરીના રેકેટનો પર્દાફાશ: નિકાસકાર સહિત પાંચ જણની ધરપકડ

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે રક્તચંદનની દાણચોરીનું રેકેટ પકડી પાડીને નિકાસકાર સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. આંતરરાજ્ય દાણચોરીના રેકેટમાં રૂ. 7.9 કરોડનું આઠ મેટ્રિક ટન રક્તચંદન જપ્ત કરવામાં આવ્યું હતું

ગ્રેનાઇટ માર્બલ સ્લેબ દર્શાવીને રક્તચંદનની મોટા પાયે દાણચોરી ચાલતી હોવાની માહિતી મળ્યા બાદ ડીઆરઆઇના મુંબઇ ઝોનલ યુનિટ દ્વારા સર્વેલન્સ શરૂ કરાયું હતું. આ દરમિયાન નિકાસ માટે ન્હાવા શેવામાં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી)માં માલોથી લદાયેલું કન્ટેઇનર દાખલ થતાં તેને આંતરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFને મોટી સફળતા, દાણચોરીના 9.6 કિલો Gold સાથે સાત લોકોની ધરપકડ

કન્ટેઇનરની તલાશી લેવામાં આવતાં પોલિશ્ડ ગ્રેનાઇટ સ્લેબ્સ અને સિમેન્ટ ઇંટોની પાછળ 6 ટન રક્તચંદન છુપાવેલું મળી આવ્યું હતું. રક્તચંદન સીઆઇટીઇએસ ક્ધવેન્શન હેઠળ સંરક્ષિત જાતિ છે અને કસ્ટમ્સ ધારા 1962 હેઠળ તેની નિકાસ પર પ્રતિબંધ છે, એમ ડીઆરઆઇના અધિકારીએ જણાવ્યું હતું.

બાદમાં અહમદનગર, નાશિક અને હૈદરાબાદમાં સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. નાશિકમાં ગોદામમાંથી વધુ 2 મેટ્રિક ટન રક્તચંદન મળી આવ્યું હતું. ન્હાવા શેવાથી જપ્ત કરાયેલું 6 મેટ્રિક ટન રક્તચંદન આ જ ગોદામમાંથી નિકાસ માટે બહાર કાઢવામાં આવ્યું હતું. એ સમયે બે જણની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: એરપોર્ટ પર દાણચોરીનું રૂ. 19.15 કરોડનું સોનું પકડાયું: બે વિદેશી મહિલાની ધરપકડ

આશરે રૂ. 7.9 કરોડનું આઠ મેટ્રિક ટન રક્તચંદન જપ્ત કરાયું હતું અને આ પ્રકરણે નિકાસકાર, કમિશન બ્રોકર, ગોદામ મેનેજર અને ટ્રાન્સપોર્ટર સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક કોર્ટે પાંચેયને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button