સના ખાન હત્યા કેસ: મુખ્ય આરોપીના જબલપુરના ઘરમાંથી લૅપટોપ અને મોબાઈલ ફોન હસ્તગત
નાગપુર: નાગપુરની ભાજપની પદાધિકારી સના ખાનની મધ્ય પ્રદેશમાં થયેલી હત્યાના કેસની તપાસ કરી રહેલી પોલીસે આ કેસના મુખ્ય આરોપી અને અલગ રહેતા સનાના પતિ અમિત ઉર્ફે પપ્પુ સાહુના જબલપુર સ્થિત નિવાસસ્થાનેથી લૅપટોપ અને મોબાઈલ ફોન તાબામાં લીધા હતા.
ઝોન-2ના ડીસીપી રાહુલ મદનેએ જણાવ્યું હતું કે પોલીસે બુધવારે સાહુના ઘરે સર્ચ હાથ ધરી હતી. આ ઘર સાહુની માતાના નામે છે અને ઘરમાંથી એક લૅપટોપ તેમ જ અન્ય ગૅઝેટ્સ જપ્ત કરાયાં હતાં.
સનાની હત્યાના કેસમાં પોલીસે સાહુ સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. 34 વર્ષની સના 1 ઑગસ્ટ, 2023ના રોજ સાહુને મળવા જબલપુર જવા માટે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. આ પ્રકરણે નાગપુરના અવસ્થી નગરમાં રહેતી તેની માતા મેહરુનિસાએ મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ધરપકડ કરાયેલા સાહુએ પોલીસને જણાવ્યું હતું કે આર્થિક અને અંગત કારણોસર સનાની હત્યા કરીને તેના મૃતદેહને જબલપુરની એક નદીમાં ફેંકવામાં આવ્યો હતો. આરોપીની કબૂલાત પછી સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું, પરંતુ સનાનો મૃતદેહ પોલીસને હાથ લાગ્યો નહોતો. (પીટીઆઈ)