આમચી મુંબઈ

સમૃદ્ધિ મહામાર્ગ પરના અકસ્માતમાં ડીઝલ ટૅન્કર ભડકે બળ્યું: ડ્રાઈવરનું મોત…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સમૃદ્ધિ મહામાર્ગ પર બનેલી કંપારી છૂટી જાય એવી ઘટનામાં ડીઝલ ટૅન્કર આગળ જઈ રહેલા વાહન સાથે ટકરાયા બાદ ભડકે બળ્યું હતું, જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા ટૅન્કરના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતની ઘટના સોમવારની રાતે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર કોપરગાંવ-સિન્નર દરમિયાન થઈ હતી. ડીઝલ ભરેલું ટૅન્કર મુંબઈથી નાગપુરની દિશામાં જઈ રહ્યું હતું.

કહેવાય છે કે પુરપાટ દોડતા ટૅન્કરના સ્ટિયરિંગ પર ડ્રાઈવરનો કાબૂ રહ્યો નહોતો. ટૅન્કર આગળ જતા વાહન સાથે ભટકાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે વાહન રસ્તા પરથી નીચે ઊતરી ગયું હતું અને ટૅન્કરની ડ્રાઈવર કૅબિન તૂટી ગઈ હતી.
અકસ્માત બાદ ટૅન્કરમાં આગ લાગી હતી, જેને કારણે આખું ટૅન્કર બળી ગયું હતું.

બનાવની જાણ થતાં હાઈવે પોલીસ, સિન્નર અને કોપરગાંવ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ બે કલાકની જહેમત પછી આગ ઓલવવામાં સફળતા મળી હતી.દરમિયાન આગમાં સળગી ગયેલા ટૅન્કરના ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું. પોલીસે તેની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

આ ઘટનાને કારણે કલાકો સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી. ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી હતી. ભારે ટ્રાફિક જૅમમાં ફસાયેલા વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી. આગ પર કાબૂ મેળવ્યા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવા ટ્રાફિક પોલીસે કવાયત હાથ ધરી હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button