સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર બસને નડ્યો અકસ્માત: મહિલાનું મોત, બે ઘાયલ

મુંબઈ: બુલઢાણા જિલ્લામાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસ સાથે લકઝરી બસ ટકરાતાં મહિલાનું મોત થયું હતું, જ્યારે બે જણ ઘવાયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ચિખલી-મેહકર રોડ પર શનિવારે સવારે આ અકસ્માત થયો હતો. લકઝરી બસ ગુજરાતના સુરતથી મેહકર જઇ રહી હતી ત્યારે તે પાછળથી એસટી બસ સાથે ટકરાઇ હતી.
એસટી બસમાં પ્રવાસ કરી રહેલી મહિલા આ અકસ્માતમાંં ગંભીર રીતે ઘવાઇ હતી. તેને સારવારાર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બસમાં પ્રવાસ કરનારા અન્ય બે જણ પણ અકસ્માતમાં ઘવાયા હતા. પોલીસે લકઝરી બસના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.
દરમિયાન એક્સપ્રેસવૅ પર રવિવારે સવારે બીજો અકસ્માત થયો હતો. શિંદખેડ ટોલ પ્લાઝા નજીક ટ્રક સાથે કાર ભટકાઇ હતી, જેમાં ચાલકને ઇજા પહોંચી હતી. ચાલકને સારવાર માટે જાલના ખાતે આવેલી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. (પીટીઆઇ)