આમચી મુંબઈ

સમય રૈનાએ ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા વીડિયો ડિલીટ કર્યા, કહ્યું કે મારો હેતુ….

મુંબઇઃ ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ શોના છેલ્લા એપિસોડમાં યુટ્યુબર રણવીર અલાહાબાદિયાની માતા-પિતા અને સેક્સ લાઇફ વિશે અભદ્ર ટિપ્પણીઓ બાદ આ શૉના આયોજકો પર પોલીસ કાર્યવાહી થઇ રહી છે અને દેશભરમાં આ શોનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ સમગ્ર મામલે હવે સમય રૈના તરફથી પ્રતિક્રિયા આવી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે કે જે કંઇ પણ થઇ રહ્યું છે, મારા માટે આ બધું સંભાળવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે. મેં ચેનલ પરથી ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા એપિસોડ ડિલીટ કરી દીધા છે.

મશહુર સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈના માટે યુટ્યુબર રણવીર અલાહાબાદિયાને તેના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં બોલાવવો ઘણો જ મોંઘો સાબિત થયો છે. આ શોમાં રણવીર દ્વારા માતા-પિતા વિશે કરવામાં આવેલી અશ્લીલ અને અભદ્ર ટિપ્પણી બાદ દેશભરમાં ભારે વિરોધ થયો છે. લોકોને હસાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલો આ શૉમાં નૈતિકતાની તમામ મર્યાદાઓ નેવે મૂકવામાં આવતા રણવીર અને સમય સામે દેશભરના રાજ્યોમાં એફઆઇઆર નોંધાવવામાં આવી છે અને સંસદમાં પણ મુદ્દો ગાજ્યો છે.

સમય રૈનાએ એની પોસ્ટમાં એમ પણ જણાવ્યું છે કે આ શોના આયોજન પાછળ તેનો હેતુ ફક્ત લોકોને હસાવવાનો અને મઝા કરાવવાનો હતો. આ સિવાય તેનો બીજો કોઇ ઇરાદો નહોતો. એણે બધી તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે અને કહ્યું છે કે તેમની તપાસ યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે હું સંપૂર્ણ યોગદાન આપવા તૈયાર છું. આભાર ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટમાં આપેલા વિવાદાસ્પદ નિવેદનોના સંદર્ભમાં મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપુર્વ માખીજા સહિત ઘણા લોકોના નિવેદનો નોંધ્યા છે.

Also read: રૈના પરિવારની વહુ બનશે કપૂર ખાનદાનની લાડકવાયી? હાથ પર કર્યું બોયફ્રેન્ડનું નામ ફ્લોન્ટ…

સ્ટેન્ડપ કોમેડિયન સમય રૈનાએ પોલીસ પાસે હાજર થવા માટે સમય માંગ્યો છે, કારણ કે હાલમાં તે અમેરિકાના પ્રવાસ પર છે અને 17મી માર્ચે મુંબઈ પાછો આવશે. મુંબઈ પોલીસે રૈનાની ટીમને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ તપાસ આટલા લાંબા સમય સુધી રોકી રાખી શકે તેમ નથી તેથી સમય રૈનાએ 14 દિવસની અંદર પોલીસ સમક્ષ હાજર થવું પડશે. યુટ્યુબર રણવીર અલાહાબાદિયાની ટીમે પોલીસને જણાવ્યું છે કે તે આજે તેનું નિવેદન નોંધાવવા આવશે. મહારાષ્ટ્ર સાયબર વિભાગે ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ શોમાં ભાગ લેનારા લગભગ 30 મહેમાનોને સમન્સ મોકલવામાં આવ્યા છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button