સલમાન ખાનના ઘર પર ફાયરિંગઃ આરોપીએ જામીન માટે દાવો કર્યો
મુંબઈ: બોલીવુડના સ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ફાયરિંગના કિસ્સામાં આરોપીએ જેલમાંથી છૂટવા માટે મોટો દાવો કર્યો હતો. સહઆરોપીએ કટોકટીના સમયે કરેલા ઉપકારનો બદલો વાળવા માટે અભિનેતા સલમાન ખાનના ઘર પર કરાયેલા ગોળીબારના ષડયંત્રમાં સામેલ થયો હોવાનો દાવો આ પ્રકરણના આરોપી વિકીકુમાર ગુપ્તાએ જામીનની અરજીમાં કર્યો છે.
સલમાનના બાન્દ્રા ખાતેના નિવાસસ્થાને ૧૪મી એપ્રિલે ગોળીબાર કરનારા આરોપીઓમાંથી એક ગુપ્તાએ જામીન માટે વિશેષ અદાલતમાં અરજી કરી છે. મંગળવારે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે ૧૩મી ઑગસ્ટ સુધી કેસ મુલતવી રાખ્યો હતો તથા ગુપ્તાની અરજી પર પોલીસને જવાબ આપવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: સલમાન ખાન ફાયરિંગ કેસમાં તમામ આરોપીઓ સામે લાગશે MCOCA
આ કેસના મુખ્ય આરોપી લૉરેન્સ બિશ્નોઈ પોતે પ્રભાવિત હતો અને તેના વિશે વાંચીને તેના વિચારો સાથે જોડાતો ગયો. અનમોલ અને બિશ્નોઈ તેમ જ આ પ્રકરણના ફરાર આરોપીથી પ્રભાવિત થઇને પોતે આ ગુનો કરવા માટે પ્રવૃત્ત થયો.
આ ગુનો કર્યા બાદ પોતાને કંઇ થશે નહીં એવી ખાતરી પણ તેઓએ આપી હતી, એમ ગુપ્તાએ પોતાની જામીનની અરજીમાં જણાવ્યું હતું.
સલમાન ખાનને નુકસાન પહોંચાડવાનો મારો હેતુ નહોતો. અન્ય આરોપી સાગરકુમાર પાલે મને કટોકટીના સમયે નોકરી અપાવી હતી. તેનું ઋણ ચૂકવવા માટે આ ગુનામાં હું સામેલ થયો, એવો દાવો પણ ગુપ્તાએ પોતાની અરજીમાં કર્યો હતો.