સૈફનો હુમલાખોર બાંગ્લાદેશી? આ ઈરાદે ઘુસ્યો હતો ઘરમાં…

મુંબઈઃ મુંબઈ પોલીસે સૈફ અલી ખાનના હુમલાના કેસમાં થાણેથી એક આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પત્રકારો સાથે વાત કરી હતી. પત્રકારો સાથે વાત કરતા ડીસીપી-ઝોન 6ના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીનું નામ મોહંમદ શહેઝાદ છે અને તેની પાસે ભારતીય હોવાના કોઈ પુરાવા નથી, આથી પોલીસના જણાવ્યા અનુસાર તે બાંગ્લાદેશી હોવાની પૂરી શક્યતા છે. આરોપી 30 વર્ષ આસપાસનો છે અને અગાઉ મુંબઈના એક ડાન્સબારમાં હાઉસકિપિંગનું કામ કરતો હતો.
આ પણ વાંચો : સૈફ હુમલા કેસમાં બાન્દ્રા પોલીસ પર ઠીકરું ફોડ્યું ક્રાઇમ બ્રાંચે, કહ્યું…
ક્યા ઈરાદે આવ્યો હતો સૈફના ઘરમાં
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સૈફ અલી ખાનના ઘરમાં માત્ર ચોરીના ઈરાદે ઘુસ્યો હતો અને તેને ખબર ન હતી કે આટલા મોટા અભિનેતાનું ઘર છે. ઘર નોકરાણી તેને જોઈ ગઈ અને ત્યારબાદ સૈફ સામે આવી જતા તે આક્રમક બન્યો અને તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. આરોપી છ મહિના પહેલા મુંબઈ આવ્યો હતો. તેની પાસે ભારતીય હોવાના દસ્તાવેજો ન હોવાથી તે બાંગ્લાદેશી હોવાનું પોલીસનું માનવું છે અને આ સાથેની તમામ તપાસ કરી તે અનુસાર કલમો તેના પર લગાવવામાં આવશે. પોલીસ તેની મેડિડકલ તપાસ કરી તેને કોર્ટમાં રજૂ કરી કસ્ટડી માગ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.