
મુંબઈ: ઓનલાઇન બેટિંગ ઍપ્લિકેશન્સને પ્રમોટ કરવા માટે દાખલ એફઆઇઆઇ સંબંધમાં ફિલ્મ અભિનેતા સાહિલ ખાને કરેલી આગોતરા જામીન અરજીને મુંબઈ હાઇ કોર્ટે ફગાવી હતી અને આ ઍપ સાથે તે સીધો સંડોવાયેલો છે, એવી નોંધ કરી છે.
ઍપ થકી સંપૂર્ણ ગતિવિધિ અનધિકૃત છે. આમાં મોટી રકમ સંકળાયેલી છે. નકલી બેન્ક ખાતાં નિર્માણ કરાયાં છે, ઍપ ‘ધ લાયન બૂક247’ સાથે અરજદાર પ્રત્યક્ષ જોડાયેલો છે, એમ જસ્ટિસ એસ.વી. કોટવાલે અરજી નકારી કાઢતાં નોંધ્યું હતું.
કોર્ટે એવી પણ નોંધ કરી છે કે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા મુજબ 67 બેટિંગ વેબસાઇટ છે, જેનું વિદેશથી નિયંત્રણ થાય છે. લોકોને વિવિધ રમતો પર સટ્ટો લેવા માટે લોકોને 2,000 બોગસ સિમ કાર્ડનો ઉપયોગ કરાયો છે. નકલી દસ્તાવેજોથી 1,700 બેન્ક ખાતાં ખોલાવવામાં આવ્યાં છે અને નાણાં ઉપાડવામાં આવ્યાં છે, જે વ્યવહાર બાદમાં હવાલા અને ક્રિપ્ટોકરન્સી થકી થયા છે.
નવેમ્બર, 2023માં સમાજસેવક પ્રકાશ બનકરની ફરિયાદને આધારે પર માટુંગા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. તેણે આરોપ કર્યો હતો કે ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ અને તીનપત્તી વિગેરે જેવી રમતો પર ઓનલાઇન સટ્ટો લેવા માટે અનેક વેબ પોર્ટલો તૈયાર કરાઇ છે. ફિલ્મ ‘સ્ટાઇલ’ના અભિનેતા સાહિલ ખાનનું નામ એફઆઇઆરમાં દાખલ કરાયું છે.
આ ગુનાની વ્યાપ્તિ મોટી હોઇ આર્થિક ગુના શાખાને તપાસ સોંપવામાં આવી હતી. બનકરે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર અનેક ઓનલાઇન બેટિંગ ઍપ છે, જેમાં મહાદેવ ઍપનો વિભાગ ખિલાડી બૂકને સાહિલ ખાન પ્રમોટ કરે છે. તેણે સંભાવ્ય ખેલાડીઓને રીઝવવા અને તેમને રોકાણ કરવા માટે પોર્ટલ પર સાઇન અપ કરવા માટે પ્રવૃત્ત કર્યા હોવાનો પણ આરોપ છે.