મોબાઈલ બન્યા દુશ્મનઃ માતાએ ઠપકો આપતા સગીરાએ ભર્યું અંતિમ પગલું
નવ દિવસ પછી પંદર વર્ષની સગીરાનો મૃતદેહ મળ્યો

મુંબઈઃ મોબાઈલ ફોનમાં રચીપચી રહેતી સગીર પુત્રીને માતાએ ઠપકો આપતાં તે ઘર છોડી ગઈ હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી. જોકે નવ દિવસ પછી સગીરાનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો હતો. વિષ્ણુનગર પોલીસના જણાવ્યા મુજબ પંદર વર્ષની સગીરા પરિવાર સાથે ડોમ્બિવલી વિસ્તારમાં રહેતી હતી. તે સતત મોબાઈલ ફોનમાં રમ્યા કરતી હતી. પરિણામે પાંચમી ડિસેમ્બરે માતાએ મોબાઈલમાં વધુ સમય વિતાવવાને કારણે પુત્રીને ઠપકો આપ્યો હતો. મોબાઈલ મૂકી ભણવા પર ધ્યાન આપવાનું માતાએ કહ્યું હતું.
માતાના ઠપકાથી રોષે ભરાયેલી સગીરા ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી. ખાસ્સો સમય વીત્યા છતાં તે ઘરે પાછી ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. સગીરાની કોઈ ભાળ ન મળતાં આખરે બીજે દિવસે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Also Read – ફડણવીસના સ્વાગત માટેની રેલીમાં 31 લોકોનો કિંમતી સામાન થયો ચોરી…
આ પ્રકરણે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પાંચમી ડિસેમ્બરે જ પોલીસને માહિતી મળી હતી કે ડોમ્બિવલીના મોટાગાંવ બ્રિજ પરથી એક છોકરીએ ખાડીમાં ઝંપલાવ્યું છે.
માહિતીને આધારે ફાયર બ્રિગેડના જવાનોની મદદથી એ છોકરીની શોધ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી. શનિવારની બપોરે ખાડીને કિનારેથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ સગીરાના મૃતદેહને ઓળખી કાઢયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી એડીઆર નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.