‘હું જ્યારે પણ સંસદમાં બોલું છું, ત્યારે મારા પતિને ઈન્કમટેક્સ નોટિસ મળે છે,’ સુપ્રિયા સુલેનો દાવો

મુંબઈ: બારામતીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુળે(NCP MP Supriya Sule)એ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કરતા કહ્યું કે ગયા અઠવાડિયે સમાપ્ત થયેલા સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં તેમના ભાષણ પછી તેમના પતિ સદાનંદ સુળેને આવકવેરાની નોટિસ (Income tax notice) મળી હતી.
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુપ્રિયા સુળે જણાવ્યું કે “અમને બજેટ સત્ર પછી તરત જ આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે, મને ખબર નથી કે આ સંયોગ છે કે કેમ, પરંતુ જ્યારે પણ હું સંસદમાં બોલું છું, ત્યારે સદાનંદ સુળે (તેના પતિ) આવકવેરાની નોટિસ મળે છે.”
સુપ્રિયા સુળે એ કહ્યું કે તેમણે તેમના પતિને આ નોટિસો અંગેનો ડેટા એકઠો કરવા કહ્યું છે. પરિવારને ભૂતકાળમાં છથી સાત વખત આવી જ નોટિસ મળી હતી.
સુપ્રિયા સુળેએ કહ્યું કે હવે આ નિયમિત બની ગયું છે કે જ્યારે પણ હું આ (ભાજપ) સરકાર વિરુદ્ધ સંસદમાં બોલું છું, ત્યારે મારા પતિને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળે છે. 8 ઓગસ્ટના રોજ લોકસભામાં વકફ સુધારા બિલ પર બોલતા સુલેએ સરકારને વિનંતી કરી હતી કે તે આ બિલને સંપૂર્ણપણે પાછું ખેંચી લે અથવા તેને સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવે. આખરે બિલને તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે મોકલવામાં આવ્યું હતું.
સુળેએ પણ પુષ્ટિ કરી હતી કે ગયા અઠવાડિયે તેના સહિત ત્રણ લોકોના વોટ્સએપ એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા.જેમાં એક બિન-રાજકીય વ્યક્તિ અને પાર્ટીના મહાસચિવ અદિતિ નલાવડેનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે, “આવકવેરા વિભાગ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓના ઉપયોગ બાદ, સરકારને રાજકીય વિરોધીઓના ફોન હેક કરવા માટે એપ્લિકેશનની શું જરૂર છે.”