
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના વિધાન પરિષદના સભ્ય સદાભાઉ ખોતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનભવન પરિસરમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે થયેલી ઝપાઝપી છેલ્લા પાંચ દાયકાથી સત્તાના નશામાં ચૂર લોકોને જડબાતોડ જવાબ છે.
ગયા ગુરુવારે એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરના સમર્થકો વચ્ચે વિધાનસભા સંકુલમાં ઝપાઝપી થઈ હતી, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ફૂટેજ મુજબ, લોબી વિસ્તારમાં શાબ્દિક ઝપાઝપી ટૂંક સમયમાં શારીરિક ઝપાઝપીમાં પરિણમી હતી.
આ પણ વાંચો: કાકા શરદ પવારના પક્ષમાં અજિત પવાર આવી ગયા અને સદાભાઉ ખોતને શું કહ્યું?
મંગળવારે સાંજે સાંગલી જિલ્લામાં એક જાહેર સભાને સંબોધતા, રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન ખોતે કહ્યું હતું કે, ‘સાંગલીના આટપાડી-ખાનાપુરના એક હિંમતવાન યુવાને 50 વર્ષથી સત્તાના નશામાં રહેલા લોકોના ઘમંડને તોડી નાખ્યો. તેમણે સંદેશ આપ્યો કે તેઓ મુંબઈ પર પ્રભુત્વ મેળવી શકે છે, તેમના પર નહીં.’
જોકે ખોતે કોઈનું નામ લીધું ન હતું, તેમની ટિપ્પણી દેખીતી રીતે પડળકરની પ્રશંસામાં હતી અને આવ્હાડ પર નિશાન સાધ્યું હતું. અવિભાજિત એનસીપીમાં આવ્હાડ એક મોટા નેતા હતા, 1999થી 2014 દરમિયાન કોંગ્રેસ સાથે રાજ્યમાં સત્તામાં હતા.
‘તેઓએ (વિપક્ષ) એવી ફરિયાદ કરી હતી કે અમે તેમના માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે મેં કહ્યું હતું કે આ અમારા પ્રદેશમાં સામાન્યપણે ઉપયોગમાં લેવાતી ભાષા છે. વાસ્તવિક અપશબ્દોનો ઉપયોગ હજુ સુધી થયો જ નથી. જો અમે તે શબ્દોનો ઉપયોગ કરીશું, તો તમે કોઈને તમારું મોં બતાવવાની સ્થિતિમાં રહેશો નહીં,’ એમ તેમણે કહ્યું હતું.