એપ આધારિત કેબ ટેક્સી પર RTOની કાર્યવાહી : 8 મહિનામાં રૂ. 19 લાખ કરતાં વધુનો દંડ વસૂલ

મુંબઈ: મુંબઈ અને ઉપનગર વિસ્તારમાં પરિવહન વિભાગ (RTO)ના ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા એપ આધારિત કેબ ટેક્સી વાહનો અને તેના ચાલકો (જેમ કે Ola, Uber) સામે તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં આરટીઓ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ મુંબઈ અને તેના ઉપનગરોમાં એક એપ્રિલથી 30 નવેમ્બર 2023 દરમિયાન 1690 એપ આધારિત કેબની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 491 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ આરોપી કેબ ડ્રાઈવરો પાસેથી 19,76,900 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સરકારી નિયમ અને શર્તનું ઉલંઘન કરતાં કેબ અને તેના ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ અને નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં મધ્ય મુંબઈમાં 590 વાહનો સામે કાર્યવાહી કરતાં 107 કેબ ચાલકો નિયમોનું ઉલંઘન કરતાં ઝડપાયા હતા. આ દોશી કેબ ચાલકો પાસેથી 7,00,042 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ફ્લાઈંગ સ્ક્વોડની આ કાર્યવાહી સમગ્ર મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં પણ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી મુંબઈના પૂર્વ વિભાગમાં પણ કરવામાં આવી હતી, જેમાં 318 વાહનોની તપાસ કરતાં 173 વાહનચાલકો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી 4,41,400 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી. મુંબઈના પશ્ચિમ વિભાગના ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા 782 વાહનોની તપાસ કરી 211 વાહન ચાલકો મોટર વ્હીકલ એક્ટ અને નિયમોનું ઉલંઘન કરતાં સપડાયા હતા. આ દોષીઓ પાસેથી 7,93,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા 13 ફેબ્રુઆરી 2023એ આપેલા આદેશ મુજબ રાજ્યમાં એપ દ્વારા બૂક થતાં વાહનો માટે મહારાષ્ટ્ર રેગ્યુલેશન ઓફ ધ એગ્રેગેટર રૂલ્સ 2022નો મસૂદો તૈયાર કરવા માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 27 નવેમ્બર 2020ના રોજ એપ આધારિત કેબ સેવાઓ માટે અમુક નિયમો મનાવવામાં આવ્યા હતા. આરટીઓની આ કાર્યવાહી સરકારના નિયમોનું પાલન ન કરતાં વાહનચાલકો સામે કરવામાં આવી રહી હોવાની માહિતી વરિષ્ઠ અધિકારીએ આપી હતી.