પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને આકરી સજા આપો: આરએસએસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતાએ બુધવારે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી, જેમાં 26 લોકોના મોત થયા, તેને દેશની એકતા અને અખંડિતતા પર હુમલો ગણાવતાં સરકારને ગુનેગારોને આકરામાં આકરી સજા આપવા માટેનાં પગલાં લેવા જણાવ્યું હતું.
આરએસએસના રાષ્ટ્રીય પ્રવક્તા સુનિલ આંબેકરે આ ઘાતક હુમલાના સમયે દેશમાં એકતાની આવશ્યકતા વ્યક્ત કરી હતી.
આતંકવાદીઓએ પહલગામના પર્યટન સ્થળ પર હુમલો કર્યો હતો જેમાં 26 લોકોનાં મોત થયાં હતાં, જેમાંથી છ મહારાષ્ટ્રના હતા.
આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરતા, આરએસએસના આંબેકરે કહ્યું હતું કે, ‘જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર ધર્મને આધારે થયેલો ક્રૂર આતંકવાદી હુમલો ખૂબ જ નિંદનીય અને પીડાદાયક છે. અમે જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.’ તેમણે એમ પણ કહ્યું હતું કે, આ દેશની એકતા અને અખંડિતતા પર હુમલો છે.
‘બધા રાજકીય પક્ષો અને સંગઠનોએ બધા મતભેદોથી ઉપર ઉઠીને તેની નિંદા કરવી જોઈએ. સરકારે તમામ પીડિતો અને તેમના પરિવારોને મદદ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ. અને, આ હુમલા માટે જવાબદાર લોકોને સજા કરવા માટે સરકારે ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવા જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું. હું માનું છું કે કેન્દ્ર સરકાર આ દિશામાં યોગ્ય પગલાં લેશે એવોે વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આપણ વાંચો : મહારાષ્ટ્રમાં પડ્યા પહેલગામ આંતકવાદી હુમલાના પડઘા, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન…