રૂ. 400 કરોડનો બેન્ક ફ્રોડ કેસ: કોક્સ એન્ડ કિંગ્સના માલિકના નિકટવર્તી સાથીની ધરપકડ
મુંબઈ: યસ બેન્કને સંડોવતા રૂ. 400 કરોડની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ટૂર એન્ડ ટ્રાવેલ કંપની કોક્સ એન્ડ કિંગ્સના માલિકના નિકટવર્તી સાથીની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
બ્રિટિશ નાગરિક અજિત મેનન (67) મંગળવારે લંડનથી કેરળના કોચિન એરપોર્ટ પર આવ્યા બાદ મુંબઈ પોલીસની ટીમે તેને તાબામાં લીધો હતો. અજિત વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું, એમ પોલીસે કહ્યું હતું.
દરમિયાન અજિતને ગુરુવારે સવારે મુંબઈ લાવવામાં આવ્યા બાદ સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 15 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
પોલીસ અધિકારીના કહેવા અનુસાર કોક્સ એન્ડ કિંગ્સના માલિક અજય પીટર કેરકરનો અજિત નિકટવર્તી સાથી હતો.
આ કેસમાં બેન્કમાંથી લોન લીધા બાદ તે નાણાં અન્ય કામો માટે ફેરવવામાં આવ્યાં હતાં. રૂ. 400 કરોડની છેતરપિંડીની તપાસ દરમિયાન અજિત આર્થિક ગુના શાખાના રડાર પર આવ્યો હતો. યસ બેન્ક પાસેથી જે હેતુથી લોન લેવામાં આવી હતી, જેને માટે બેન્ક દ્વારા આપવામાં આવેલાં નાણાંનો ઉપયોગ કરાયો નહોતો.
તપાસ દરમિયાન આર્થિક ગુના શાખાને જાણવા મળ્યું હતું કે અજિત યુરોપમાં કંપનીની કામગીરીનું ધ્યાન રાખતો હતો. તેણે લોનની રકમમાંથી રૂ. 56 કરોડ યુકે સ્થિત કંપનીમાં વાળ્યા હતા. આર્થિક ગુના શાખાએ રૂ. 400 કરોડની યેસ બેન્ક સાથે છેતરપિંડી માટે કોક્સ એન્ડ કિંગ્સની ભગિની કંપની કોક્સ એન્ડ કિંગ્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ વિરુદ્ધ 2011માં ગુનો દાખલ કર્યો હતો.
કોક્સ એન્ડ કિંગ્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ ફોરેન એક્સચેન્જ બિઝનેસ, હોલીડે ફાઇનાન્સિંગ, સ્ટુડન્ટ લોન અને અન્ય નોન-બેન્કિંગ નાણાકીય સેવા પૂરી પાડવામાં સંકળાયેલી હતી. આર્થિક ગુના શાખા દ્વારા કંપની માલિક કેરકર, તેની પત્ની, અજિત મેનન તથા અન્યોનાં નામ એફઆઇઆરમાં નોંધવામાં આવ્યાં છે. (પીટીઆઇ)