મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું 65 કરોડનું કૌભાંડ: ઇડીએ ફિલ્મ અભિનેતા ડિનો મોરિયાની કરી પૂછપરછ

મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65 કરોડ રૂપિયાના કૌભાંડ સંબંધી મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ના અધિકારીઓએ ગુરુવારે ફિલ્મ અભિનેતા ડિનો મોરિયાની પૂછપરછ કરી હતી. શિવસેના (યુબીટી)ના આદિત્ય ઠાકરેનો મિત્ર ડિનો મોરિયા તેના ભાઇ સાથે ગુરુવારે ઇડીની બેલાર્ડ એસ્ટેટની ઓફિસમાં પહોંચ્યો હતો.
ડિનો મોરિયા વોડર ઇન્ડિયા લિમિટેડના કેતન કદમ સાથે મિત્રતા ધરાવે છે અને બંને છેલ્લાં પચીસ વર્ષથી એકબીજાને ઓળખે છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ વચેટિયા કેતન કદમની ધરપકડ કરી હતી અને પોલીસને શંકા છે કે ડિનોએ કોન્ટ્રેક્ટરોને પ્રભાવિત કરવા માટે આરોપીઓને મદદ કરી હશે. મીઠી નદીમાં ગાળ કાઢવાના કૌભાંડ પ્રકરણે અગાઉ આર્થિક ગુના શાખાએ બે વાર ડિનો અને તેના ભાઇની પૂછપરછ કરી હતી.
આર્થિક ગુના શાખાના સૂત્રોના જણાવ્યા અનુસાર ડિનો મોરિયા અને કદમ વચ્ચે 14-18 લાખના પાંચથી સાત નાણાકીય વ્યવહારો થયા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા આ વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આર્થિક ગુના શાખાએ ગયા મહિના દાખલ કરેલા એફઆઇઆરમાં જે 13 જણનાં નામ આરોપી તરીકે આપવામાં આવ્યાં હતાં, એ પાલિકાના અધિકારી, કોન્ટ્રેક્ટરો અને વચેટિયાનાં નિવાસ અને ઓફિસ સહિત પંદરથી વધુ સ્થળે ઇડીએ ગયા સપ્તાહે રેઇડ પાડી હતી. ઇડીની ટીમે બાંદ્રા પશ્ર્ચિમમાં ડિનો મોરિયાના નિવાસે પણ સર્ચ કરી હતી. ત્યાર બાદ ઇડીએ ડિનો અને તેના ભાઇને તપાસમાં જોડાવા માટે સમન્સ પાઠવ્યા હતા.
આ પણ વાંચો - રાજ-ફડણવીસની મુલાકાત બાદ શિરસાટે કહ્યું, મનસેએ અમારી સાથે આવવું જોઈએ, સેના (યુબીટી)નો બચાવ
ઇડી દ્વારા મુંબઈ ઉપરાંત કેરળમાં પણ સર્ચ હાથ ધરાઇ હતી, કારણ ડિસ્ટિલિંગ મશીન પૂરી પાડતી કંપનીઓમાંની એક મેટપ્રોપ ટેક્નિકલ સર્વિસીસ પ્રા.લિ. કોચીમાં સ્થિત છે.
પાલિકાને 65.54 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા બદલ 13 જણ સામે ગુનો દાખલ કરાયો હતો અને આ ગુનાને આધારે ઇડીએ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ઇસીઆઇઆર) દાખલ કરીને મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.