વસઇ-વિરારમાં ગેરકાયદે ઇમારતો: ઇડીએ ટાઉન પ્લાનિંગના ડેપ્યુટી ડિરેક્ટરના ઘરેથી 32 કરોડનાં દાગીના-રોકડ જપ્ત કર્યાં

મુંબઈ: વસઇ-વિરારમાં ગેરકાયદે ઇમારતોના કેસમાં મની લોન્ડરિંગની તપાસ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમે બુધવારે વસઇ, વિરાર, નાલાસોપારા અને હૈદરાબાદમાં 13 સ્થળે રેઇડ પાડી હતી, જેમાં વસઇ-વિરાર પાલિકાના ટાઉન પ્લાનિંગના ડેપ્યુટી ડિરેક્ટર વાય. એસ. રેડ્ડીના ઘરેથી 8.6 કરોડની રોકડ અને 23.25 કરોડ રૂપિયાના હીરાજડિત દાગીના તથા બુલિયન જપ્ત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત રેઇડ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એપ્રિલ, 2016માં એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના થાણે યુનિટ દ્વારા રેડ્ડીની ધરપકડ કરાઇ હતી. તેની વિરુદ્ધના કોર્ટ કેસ આગળ વધવાથી રોકવા માટે શિવસેનાના નગરસેવકને પચીસ લાખ રૂપિયા ઓફર કરવાનો રેડ્ડી પર આરોપ હતો.
ઇડી મુંબઈ (ઝોન-2) દ્વારા બુધવારે જે સ્થળો પર રેઇડ પાડવામાં આવી હતી, તેમાં વસઇ-વિરાર પાલિકાના ભૂતપૂર્વ નગરસેવક સીતારામ ગુપ્તા તેમ જ ગેન્ગસ્ટર સાથે કડી ધરાવતા ગુનેગારના નિવાસસ્થાનનો પણ સમાવેશ હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં વકફની જમીન પચાવનારના નિવાસ સહિત 10 સ્થળોએ ઇડીના દરોડા…
રેઇડ દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો પરથી વસઇ-વિરાર પાલિકાના અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને આવા અનેક ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ઇડી દ્વારા આ પ્રકરણે તપાસ કરવામાં આવી રહી છે.
ઇડીએ વસઇ-વિરાર વિસ્તારમાં રહેણાક અને વ્યાવસાયિક ઇમારતોના ગેરકાયદે બાંધકામો સંદર્ભે મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસ દ્વારા દાખલ કરાયેલા એફઆઇઆરના આધારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ઇસીઆઇઆર) દાખલ કર્યો હતો. ઇડીના જણાવ્યા મુજબ આ કેસ મુખ્યત્વે નાલાસોપારા પૂર્વના અગરવાલ નગર ખાતે ગેરકાયદે 41 ઇમારતોના બાંધકામનો છે, જે સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે 60 એકર જમીન પર બાંધવામાં આવી હતી.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓનું ઠેકાણું મળ્યું, આઈઇડી અને વાયરલેસ સેટ મળ્યાં…
ગેરકાયદે 41 ઇમારતોને મુંબઈ હાઇ કોર્ટના નિર્દેશ પર વસઇ-વિરાર પાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી, જેને કારણે 2,500 પરિવાર બેઘર થઇ ગયા હતા. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ 2009થી ચાલી રહ્યું હતું.
કેટલાક વર્ષ અગાઉ આચોલે પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઇઆરમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વસઇ-વિરાર પાલિકાના ભૂતપૂર્વ નગરસેવક સીતારામ ગુપ્તા, તેના ભાઇ અને સાથીદારોએ કથિત રીતે ખાનગી માલિકોની 30 એકર જમીન, ડમ્પિંગ ગ્રાઉન્ડ અને સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે અનામત રાખવામાં આવેલી વધારાની 30 એકર જમીન હસ્તગત કરી હતી. બાદમાં બનાવટી દસ્તાવેજોને આધારે તેને વિવિધ ડેવલપરોને વેચી દીધી હતી.