આમચી મુંબઈ

રૂ. ૨૭૮૨ કરોડનો પનવેલ-કર્જત પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રેક પર છે

લોકલ કોરિડોરની સૌથી લાંબી ૨૯.૬ કિમી ટનલનું કામ પૂરું થયું

મુંબઈ: મુંબઈ-એમએમઆરના ઉપનગરીય રેલ પરિવહનને વિસ્તાર કરતા પનવેલ-કર્જત લોકલ રેલ કોરિડોરનું કામ ફાસ્ટ ટ્રેક પર છે. અહીં બની રહેલી સૌથી લાંબી ૨૯.૬ કિમી ટનલિંગનું કામ પૂરું થઇ ગયું છે.

મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન દ્વારા મુંબઈ શહેર પરિવહન પ્રોજેક્ટ-૩ હેઠળ ચાલી રહેલા આ ડબલ ટ્રેક લોકલ રેલ કોરિડોર પ્રોજેક્ટનું ૫૦ ટકાથી કામ પૂરું થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઉપનગરીય કોરિડોરની સૌથી લાંબી સુરંગનું કામ પનવેલ-કર્જત લોકલ માર્ગ પર થઇ રહ્યું છે. જેનું ટનલિંગનું કામ શુક્રવારે પૂરું થઇ ગયું છે. એમઆરવીસીના એમડી સુભાષ ચંદ ગુપ્તાએ આને માઈલસ્ટોન ઉપલબ્ધિ ગણાવી છે. એક રીતે ખૂબ જ મુશ્કેલ ગણાતા આ ડબલ લાઈન પ્રોજેક્ટ-૩ હેઠળ અત્યાધુનિક ટનલ બનાવવામાં આવી રહી છે.

સૌથી પડકારરૂપ આ કાર્યમાં ન્યુ ઓસ્ટ્રિયન ટનલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ટનલની અંદર ટ્રેકનું માળખું બેલાસ્ટલેસ હશે, એવું પણ કહેવાઈ રહ્યું છે. આ ઉપરાંત પબ્લિક રિફ્યુઝ એરિયા, કનલ કંટ્રોલ સિસ્ટમ, લાઈટિંગ સિસ્ટમ અને વેન્ટિલેશન સિસ્ટમ જેવી પર્યાપ્ત સ્માર્ટ સુવિધાઓ આપવાનું આંતરરાષ્ટ્રીય માપદંડને આધારે કરવામાં આવી રહ્યું છે. નઢાલ ટનલમાં વોટર પ્રૂફિંગ અને કોંક્રીટ લાઈનિંગનું કામ પૂરું થઇ ગયું છે. કિરવલી ટનલનું ભૂગર્ભ ખોદકામનું કામ પણ લગભગ પૂરું થઇ ગયું છે. સુરંગ રોક બોલ્ટિંગ, વાયર મેશ અને શોટક્રીટ સાથે જોડાયેલી છે. અહીં સ્થાયી વોટરપ્રૂફ લાઈનિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

મધ્ય રેલવેની હાર્બર લાઈન પર પનવેલ અને મેન લાઈન પર કર્જતને જોડતી આ પાંચમી લોકલ લાઈન ૨૯.૬ કિમી લાંબી છે. આ લોકલ કોરિડોર એમએમઆરના પનવેલ, ખાલાપુર અને કર્જત એમ ત્રણ તાલુકામાંથી પસાર થશે. એમઆરવીસીના સીપીઆરઓ સુનીલ ઉદાસીના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટનું કામ ૫૦ ટકાથી વધુ પૂરું થઇ ગયું છે. આ કોરિડોરને ડિસેમ્બર ૨૦૨૫ સુધી પૂરો કરવાની નેમ છે. આ માટે રૂ. ૨૭૮૨ કરોડની મંજૂરી આપવામાં આવી છે.


પાંચ સ્ટેશન હશે
પનવેલ-કર્જત સબર્બન કોરિડોર વચ્ચે પનવેલ, ચીખલે, મોહોપે, ચૌક અને કર્જત એમ પાંચ સ્ટેશન હશે. કોરિડોરમાં બની રહેલા ૬૮ મોટા બ્રિજનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. એમઆરવીસી અનુસાર બે ફ્લાયઓવર, ૮ મોટા અને ૩૬ નાના બ્રિજ, ૧૫ આરયુબી, ૭ આરઓબી અને ૩ ટનલ એમ બહુઉદ્દેશીય પ્રોજેક્ટ છે. ઉલ્લેખનીય છે કે પનવેલ-કર્જત લોકલ કોરિડોર બનવાથી આ વિસ્તારના વિકાસને ગતિ પ્રાપ્ત થશે. અહીં નોંધવું ઘટે કે મધ્ય રેલવેનો નેરુલ ખારકોપર અને ઉપણ લોકલ રેલ કોરિડોર ખૂલી ગયો છે. આ સબર્બન કોરિડોર બનવાથી મુંબઈથી પનવેલ અને કર્જત વચ્ચે સારામાં સારું રેલવેનું જોડાણ પ્રાપ્ત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button