સચિન તેંડુલકરનું નામ જોડતા આ કંપનીના શેર બન્યા રોકેટ! કંપનીએ કરી આવી સ્પષ્ટતા

મુંબઈ: કેટલીકવાર કોઈ અફવાને કારણે શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળતા હોય છે. તાજેતરમાં સ્મોલ-કેપ કંપની RRP સેમિકન્ડક્ટર્સ લિમિટેડના શેર્સ સાથે કંઈક આવું જ બન્યું. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરનાભાવમાં 13,000%નો ઉછાળો નોંધાયો, આ તોતિંગ ઉછાળા પાછળ એક અફવા જવાબદાર હતી. અફવા એ હતી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે RRP સેમિકન્ડક્ટર્સમાં રોકાણ કર્યું છે. જો કે હવે કંપનીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
મંગળવારે RRP સેમિકન્ડક્ટર્સે સ્ટોક્સ એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું, “છેલ્લા 10 મહિનામાં કંપનીના શેરના ભાવ રૂ.10 થી રૂ.9,000 સુધી પહોંચ્યા હતાં, અમને લાગે છે કે આફવાને કારણે જ શેરમાં આ અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે.”
આપણ વાંચો: શેરબજારમાં ઉતાર-ચઢાવ, આજે આ પરિબળો માર્કેટને કરશે અસર
કંપનીએ કરી સ્પષ્ટતા:
કંપનીએ સ્પષ્ટતા કરી કે સચિન તેંડુલકરે ક્યારેય કંપનીના કોઈ શેર ખરીદ્યા નથી, તેઓ કંપનીનો શેરધારક પણ નથી. સચિન તેંડુલકર બોર્ડના સભ્યો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા નથી, તેઓ પોતે બોર્ડના સભ્ય નથી, કે તેઓ સલાહકાર તરીકેની ભૂમિકા પણ નથી ભજવતા. તેઓ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર પણ નથી.
સરકારે કોઈ જમીન નથી આપી:
આ ઉપરાંત કંપની અંગે એવી પણ અફવા ફેલાઈ હતી કે મહારાષ્ટ્રમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરુ કરવામાં મહારાષ્ટ્ર સરકારે તેને 100 એકર જમીન આપી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આવી કોઈ જમીન આપવામાં આવી નથી.
મંગળવારે, BSE પર RRP સેમિકન્ડક્ટર્સના શેર 2 ટકા વધીને રૂ. 8,584.75 પર બંધ થયા.
(આ અહેવાલમાં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. આ જાણકારીને આધારે શેર બજારમાં રોકાણ કરવું નહીં. બજારમાં રોકાણ કરવું જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા હંમેશા બહારના નિષ્ણાતની સલાહ લો. કોઈ પણ નુકશાન માટે મુંબઈ સમાચાર જવાબદાર રહેશે નહીં.)



