આતંક ઊભો કરવાને ઇરાદે રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર કરાયો: પોલીસ

પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ એમસીઓસીએ લગાવાયો: જેલમાં બંધ પ્રવીણ લોણકરને ઇશારે પિસ્તોલ પહોંચાડાઈ
મુંબઈ: ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જૂહુ ખાતેના નિવાસસ્થાન પર ગોળીબાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ મુંબઈમાં આતંક ઊભો કરવા માગતા હતા, એવું વિશેષ અદાલતમાં જણાવી પોલીસે દાવો કર્યો હતો કે જેલમાં બંધ લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્ય પ્રવીણ લોણકરને ઇશારે ગોળીબાર માટે પિસ્તોલ પૂરી પાડવામાં આવી હતી.
જૂહુમાં શેટ્ટી ટાવર પર ગોળીબારના કેસમાં પોલીસે પાંચ આરોપી આદિત્ય ગાયકી (19) સિદ્ધાર્થ યેનપુરે (20), સમર્થ પોમાજી (18), સ્વપ્નિલ સકટ (23) અને આસારામ ફાસલે (42)ની ધરપકડ કરી હતી.
આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટોર્શન સેલને સોંપાઈ હતી. બુધવારે પાંચેય આરોપીની કસ્ટડી પૂરી થતી હોવાથી તેમને વિશેષ એમસીઓસીએ કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. કોર્ટે તેમને 17 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આપણ વાચો: રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર માટે બિશ્નોઇ ગૅન્ગે ‘ડેડ ડ્રૉપ’ મોડેલ અપનાવેલું
અધિકારીના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન સામે આવેલી માહિતી પછી આરોપીઓ વિરુદ્ધ મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લગાવવામાં આવ્યો હતો. પકડાયેલામાંથી અમુક આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું. પરિણામે તેમની વિરુદ્ધ કઠોર એમસીઓસીએ લગાવાયો હતો.
રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારના કેસમાં લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગના શુભમ લોણકર સહિત અન્યોને ફરાર આરોપી દર્શાવાયા છે. શેટ્ટીના ઘર પર ગોળીબારનું કાવતરું શુભમે જ ઘડ્યું હોવાનું કહેવાય છે. શુભમ એનસીપીના નેતા બાબા સિદ્ધીકીની હત્યાના કેસમાં પણ ફરાર મુખ્ય આરોપી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આરોપીઓની 15 દિવસની કસ્ટડીની માગણી કરતી વખતે પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી શુભમ લોણકરના સંપર્કમાં હતા. શુભમ અત્યારે ફરાર છે, જ્યારે તેના ભાઈ પ્રવીણ લોણકરની બાબા સિદ્દીકી હત્યા કેસમાં ધરપકડ કરાઈ હતી. પ્રવીણ અત્યારે અદાલતી કસ્ટડીમાં છે.
આપણ વાચો: ફિલ્મમેકર રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર: મુખ્ય સૂત્રધાર શુભમ લોણકરના ઇશારે
પોલીસે દાવો કર્યો હતો કે આરોપી પાસેથી જપ્ત કરાયેલું એક શસ્ત્ર જેલમાં બંધ પ્રવીણ લોણકરને ઇશારે પૂરું પડાયું હતું. આ ટોળકીનો ઇરાદો મુંબઈમાં આતંક ઊભો કરવાનો હતો.
જોકે બચાવ પક્ષના વકીલ સચિન ઝેલટે પાટીલ અને અજિંક્ય મિરગલે નવી રિમાન્ડ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કસ્ટડી માટે કોઈ નવા ગ્રાઉન્ડ નથી અને માત્ર એમસીઓસીએ લાગુ કરવાથી પોલીસને કસ્ટડીનો અધિકાર મળતો નથી.
પ્રવીણ લોણકરે શસ્ત્ર સપ્લાય કર્યાના પોલીસના દાવા સામે બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે આ શક્ય જ નથી, કારણ કે પ્રવીણ લોણકર દોઢ વર્ષથી વધુ સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે.
કોર્ટે નોંધ કરી હતી કે આ કેસ નાનો લાગે છે, પણ એ ‘હિમશિલાની ટોચ’ માત્ર છે. સચ્ચાઈ શોધી કાઢવા માટે તપાસ એજન્સીને તપાસ માટે પૂરતા સમયની જરૂર હોવાનું કહીને કોર્ટે આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઈ)



