આમચી મુંબઈ

રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર માટે બિશ્નોઇ ગૅન્ગે ‘ડેડ ડ્રૉપ’ મોડેલ અપનાવેલું

અલગ અલગ કામગીરી બજાવનારા આરોપી એકબીજાથી એકદમ અજાણ: પોલીસ માટે કડી હાથ લાગી, પણ ચેઈન બનાવવી મુશ્કેલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જૂહુના નિવાસસ્થાને ગોળીબાર કરવા માટે બિશ્નોઇ ગૅન્ગ દ્વારા ખૂબ જ ગણતરીપૂર્વકનું કાવતરું ઘડી ‘ડેડ ડ્રૉપ’ મોડેલ અપનાવવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ કાવતરમાં અલગ અલગ કામગીરી બજાવનારા શખસો ક્યારેય એકબીજાના સીધા સંપર્કમાં આવ્યા નહોતા. પરિણામે પોલીસે કાવતરાની કડી તો તોડી, પણ આખી ચેઈન બનાવવામાં ખાસ્સી મુશ્કેલી નડી રહી છે.

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા બૉમ્બ બ્લાસ્ટના કાવતરામાં પણ આરોપીઓએ ઈ-મેઈલ મારફત ડેડ ડ્રૉપ મોડેલ અપનાવ્યું હતું. આ મોડેલમાં એક આરોપી બીજા આરોપીને ક્યારેય મળ્યો ન હોય અને તેની સાથે સંપર્ક સાધી શક્યો ન હોય. પરિણામે પોલીસને એક આરોપી હાથ લાગે તો બીજાની કોઈ ભાળ ન મળે. એ સિવાય આરોપી પકડાય તોય ગુનામાં તેમની સંડોવણી સાબિત કરવી એક પડકાર બની રહે.

રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારના કેસમાં પોલીસે ચાર આરોપી સ્વપ્નિલ સકટ, સમર્થ પોમાજી, સિદ્ધાર્થ યેનપુરે અને આદિત્ય ગાયકીની પુણેથી ધરપકડ કરી હતી. સકટના ઘરમાંથી પોલીસને એક પિસ્તોલ, ત્રણ મૅગેઝિન અને એક ઍરગન મળી આવી હતી. આ શસ્ત્રો સકટને પૂરાં પાડનારા આસારામ ફાસલે (42)ને પણ પુણેમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. બિશ્નોઇ ગૅન્ગના સભ્ય શુભમ લોણકરના નિર્દેશ પર આસારામે સકટને આ શસ્ત્રો આપ્યાં હતાં. જોકે શૂટરે રોહિત શેટ્ટીના નિવાસસ્થાને કઈ પિસ્તોલથી ગોળીબાર કર્યો અને તેને કોઈ પિસ્તોલ પૂરી પાડી તેની કોઈ માહિતી પોલીસને મળી નથી.
શેટ્ટી ટાવર પર ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલું સ્કૂટર પુણેથી સેક્ધડ હેન્ડ ખરીદવામાં આવ્યું હતું. આ સ્કૂટર લોનાવલામાં શૂટર સુધી પહોંચાડવાનું હતું, પરંતુ પછી તેને મુંબઈ લાવવામાં આવ્યું હતું. સ્કૂટરને મુંબઈ લાવવાની જવાબદારી સકટ અને યેનપુરેને સોંપાઈ હતી. અગાઉથી નક્કી કરેલા સ્થળે સ્કૂટર પાર્ક કરીને તાત્કાલિક બન્નેને ફરી પુણે પહોંચવાની સૂચના અપાઈ હતી. પરિણામે બન્ને ક્યારેય શૂટરના સંપર્કમાં આવ્યા નહોતા.

મુંબઈમાં પાર્ક કરાયેલા સ્કૂટરની માહિતી શૂટરને આપવામાં આવી હતી. શૂટર જાતે જ એ સ્કૂટર ત્યાંથી લઈ ગયો હતો, જેથી તેણે પણ સકટ અને યેનપુરેને ક્યારેય જોયા નહોતા. આ રીતે બે અલગ અલગ કામગીરી બજાવનારા આરોપી ક્યારેય એકબીજાને મળ્યા નહોતા.

એ જ રીતે મુંબઈમાં પાર્ક કરાયેલા સ્કૂટરની ડિકીમાં પિસ્તોલ મૂકવાની જવાબદારી બીજી જ કોઈ વ્યક્તિને સોંપાઈ હતી. એ વ્યક્તિ પિસ્તોલ સ્કૂટરની ડિકીમાં મૂકીને પસાર થઈ ગયો હતો. આ જ કારણ છે કે આરોપી પકડાયા છતાં હજુ શૂટર પોલીસને હાથ લાગ્યો નથી. શૂટર પકડાય તોય સ્કૂટર અને પિસ્તોલ પહોંચાડનારા આરોપીઓને તે ઓળખી શકશે નહીં.
કહેવાય છે કે શેટ્ટી ટાવર પર ગોળીબાર પછી શૂટરે પિસ્તોલ ક્યાં સંતાડી તેની માહિતી શૂટર પકડાયા પછી જ પોલીસને મળી શકશે. આ એવું સુનિયોજિત કાવતરું છે કે અપરાધીની એક કડી તૂટે તો પણ પોલીસ આખી ચેઈનનો પર્દાફાશ કરવામાં અસમર્થ રહે. અત્યાર સુધી પકડાયેલા આરોપીઓમાં માત્ર સકટ વિરુદ્ધ આર્મ્સ ઍક્ટ હેઠળ એક ગુનો નોંધાયેલો છે. બાકીના આરોપીઓનો કોઈ ગુનાહિત રેકોર્ડ સામે આવ્યો નથી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button