પોલીસ પર રોફ જમાવી ઉદ્ધત વર્તન કરનારા વિધાનસભ્ય રોહિત પવાર વિરુદ્ધ ગુનો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પોલીસ પર રોફ જમાવી ઉદ્ધત વર્તન કરનારા વિધાનસભ્ય રોહિત પવાર વિરુદ્ધ ગુનો

મુંબઈ: વિધાનભવનમાં મારપીટને કારણે ઘવાયેલા પક્ષના કાર્યકરને મળવા આઝાદ મેદાન પોલીસ સ્ટેશને પહોંચેલા એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે પોલીસ અધિકારી પર રોફ જમાવી કથિત ઉદ્ધત વર્તન કર્યું હતું. પોલીસ અધિકારીને ફરજ નિભાવવામાં કથિત અવરોધ ઊભો કરવા બદલ પોલીસે રોહિત પવાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારના પૌત્ર રોહિત પવારે શુક્રવારે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં સબ-ઈન્સ્પેક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

આપણ વાંચો: વિધાન ભવનમાં થયેલી મારામારી માટે મુખ્ય પ્રધાન ફડણવીસ દોષી, પ્રાયશ્ર્ચિત તરીકે રાજીનામું આપે: સપકાળ

રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરના સમર્થકો વચ્ચે ગુરુવારે વિધાનભવન પરિસરમાં છૂટા હાથની મારામારી થઈ હતી. આ હંગામામાં જખમી થયેલા પક્ષના કાર્યકરને મળવા માટે રોહિત પવાર આવ્હાડ સાથે આઝાદ મેદાન પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસ સાથે અપમાનજનક વર્તન કરવાની ઘટના બની હતી.

બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારીને પગલે ભારે હોબાળો મચ્યો હતો. તાબામાં લેવાયેલા કાર્યકરોને વધુ કાર્યવાહી માટે પોલીસના તાબામાં સોંપાયા હતા.

પોલીસ સ્ટેશને ગયેલા રોહિત પવારે સબ-ઈન્સ્પેક્ટર પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પવારે બરાડા પાડી મરાઠીમાં કહ્યું હતું કે તમારો અવાજ ઓછો કરો… તમારો અવાજ ઓછો કરો. જો તમારો હાથ ઊઠશે તો હું તમને પાઠ ભણાવીશ.
આ પ્રકરણે ફરિયાદને આધારે પોલીસે રોહિત પવાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button