Top Newsઆમચી મુંબઈ

એન્કાઉન્ટર નહીં, ઍક્શનનું રિઍક્શન હતું:આર્યને ગોળી મારનારા અધિકારીની સ્પષ્ટતા…

એપીઆઈ વાઘમારેનું નિવેદન નોંધાયું: એન્કાઉન્ટરનો ઇરાદો હોત તો બે કે તેથી વધુ ગોળી મારી હોત… બાળકોને બચાવવાને ઇરાદે ગોળી ચલાવવી પડી હોવાનો દાવો

મુંબઈ: વેબસિરીઝના ઑડિશનને બહાને બોલાવ્યા પછી પવઈના સ્ટુડિયોમાં 17 બાળકોને બાનમાં લેનારા પ્રોફેસર રોહિત આર્યને મારી નાખવાનો કોઈ નિર્ણય લેવાયો નહોતો. એ એન્કાઉન્ટર નહીં, પણ તે ક્ષણે થયેલી ઍક્શનનું રિઍક્શન હતું, એવી સ્પષ્ટતા આર્યને ગોળી મારનારા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર (એપીઆઈ) અમોલ વાઘમારેએ પોલીસ વિભાગને આપી હતી.

પવઈના રા સ્ટુડિયોમાં 17 બાળકો સહિત 19 જણને બંધક બનાવીને પોતાની વાતની રજૂઆત કરવાનો પ્રયાસ કરનારા આર્યને ગોળીએ દેવાયા પછી અનેક સવાલ કરવામાં આવ્યા હતા. આર્યનું એન્કાઉન્ટર શા માટે કરાયું… એને છાતીને બદલે પગ પર ગોળી મારી શકાઈ હોત, જેવા પ્રશ્ર્નો કરી વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ આ મુદ્દે વાઘમારેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. વાઘમારેએ પોલીસ વિભાગ સામે સ્પષ્ટતા કરી હતી કે આર્યનું એન્કાઉન્ટર કરવાનો ઇરાદો હોત તો એને એક નહીં, બે કે તેથી વધુ ગોળી મારી હોત. મારો હેતુ માત્ર બંધક બનાવવામાં આવેલાં બાળકોને છોડાવવાનો હતો.

Assistant Police Inspector (API) Amol Waghmare

વાઘમારે અગાઉ ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યૂઆરટી)માં કમાન્ડો તરીકે ફરજ બજાવતો હતો. છેલ્લાં 10 વર્ષથી તે મુંબઈ પોલીસમાં ફરજ બજાવે છે. ગનનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો તેની તાલીમ મેળવેલો અધિકારી છે વાઘમારે. બાળકોને છોડાવવા માટે વાઘમારે બે કોન્સ્ટેબલ સાથે સ્ટુડિયોમાં પ્રવેશ્યો હતો. બન્ને કોન્સ્ટેબલ પાસે લાકડી હતી, જ્યારે માત્ર તેની પાસે જ પિસ્તોલ હતી, જેમાં દસ બૂલેટ ભરેલી મૅગેઝિન હતી.

પોલીસની ટીમ બાથરૂમની બારીમાંથી સ્ટુડિયોમાં પ્રવેશી હતી. બાથરૂમનો ડક એરિયા એટલો સાંકડો છે કે એક સમયે માત્ર એક જ વ્યક્તિ તેમાંથી પસાર થઈ શકે. જાડી વ્યક્તિનું એ ડકમાંથી પસાર થવું મુશ્કેલ છે. શારીરિક રીતે ફિટ વાઘમારે બે કૃશ શરીરવાળા કોન્સ્ટેબલ સાથે બારીમાંથી પ્રવેશ્યો હતો.

વાઘમારેએ સ્પષ્ટતા કરી હતી કે અમે સ્ટુડિયોમાં પ્રવેશ્યા ત્યારે આર્યએ ગનમાંથી અમારી તરફ ફાયર કર્યું હતું. તે સમયે અમને ખબર નહોતી કે ઍરગન છે. આર્યના હાથમાં પિસ્તોલ હોવાનું માની કટોકટીની એ પળે બાળકોને બચાવવાનો વિચાર મનમાં હોવાથી મારે ગોળી ચલાવવી પડી.

જોકે આર્ય જમીન પર ફસડાઈ પડ્યા પછી અમે બધી રૂમમાં તપાસ કરી હતી, જેથી તેનો કોઈ સાથી સંતાયેલો નથીને? પછી અમે પોલીસ હોઈ બચાવવા આવ્યા છીએ… ડરવાની જરૂર નથી, એવું કહી બાળકોને સમજાવ્યા હતા. પછી તાત્કાલિક આર્યને હૉસ્પિટલ લઈ જવાયો હતો, જેથી તેનો જીવ બચાવી શકાય, પણ તે બચી શક્યો નહોતો, એવું વાઘમારેનું કહેવું છે.

આ પણ વાંચો…રોહિત આર્યના અંતિમસંસ્કાર પુણેમાં કરવામાં આવ્યા

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button