‘બાળકોને બંધક બનાવાય છે એવો સીન આપણે શૂટ કરવાના છીએ’ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

‘બાળકોને બંધક બનાવાય છે એવો સીન આપણે શૂટ કરવાના છીએ’

મુંબઈ: પવઇ વિસ્તારના સ્ટુડિયોમાં ગુરુવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રોહિત આર્યએ તેના વીડિયોગ્રાફરને કહ્યું હતું કે તેઓ બાળકોને બંધક બનાવવામાં આવ્યા છે એવો સીન શૂટ કરવાના છે.

જોકે અસલ જીવનમાં રોહિતે આવી યોજના બનાવી છે એવો અણસાર વીડિયોગ્રાફરને બિલકુલ આવ્યો નહોતો. રોહિત સાથે છેલ્લાં 10 વર્ષથી કામ કરતો વીડિયોગ્રાફર રોહન આહિરે ત્રણ કલાક ચાલેલા એ હાઇ ડ્રામાનો મુખ્ય સાક્ષીદાર છે. રોહને મીડિયા સમક્ષ શુક્રવારે ઘટનાક્રમ વર્ણવ્યો હતો.

આપણ વાચો: એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રોહિત આર્યાના કેમ્પેઈનને નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું હતું

રોહન આહિરેએ રોહિતની પહેલી સ્વચ્છતા મોનિટર અને લેટ્સ ચેન્જ પ્રોજેક્ટો માટે ફિલ્મ શૂટ કરી હતી. બુધવારે રોહિતે તેને શૂટર માટે પાંચ લિટર પેટ્રોલ અને ફટાકડા લાવવા માટે કહ્યું હતું, પરંતુ સ્ટુડિયોમાં બાળકો હોવાથી રોહિતની સૂચનાનું રોહને પાલન કર્યું નહોતું.

રોહન ગુરુવારે સવારે સ્ટુડિયોમાં પહોંચ્યો ત્યારે સ્પોટબૉયે તેને કહ્યું હતું કે સ્ટુડિયોના ઉપરના માળે કોઇને પણ જવાની મનાઇ કરવામાં આવી છે. થોડા સમય બાદ રોહિત પોતે નીચે આવ્યો હતો અને રોહનને કહ્યું હતું કે તેઓ આગ સંબંધી સીન શૂટ કરવાના છે અને આ માટે પોતે રબર સોલ્યુશનની બોટલો લાવ્યો છે.

આપણ વાચો: મુંબઈમાં 17 બાળકોને ઓડિશનના બહાને બોલાવી બાનમાં લેનારા રોહિત આર્યે ભૂખ હડતાળ પણ કરેલી

તેણે રોહનને સ્ટુડિયોના ગેટ અને તમામ એન્ટ્રી પોઇન્ટ લૉક કરવા માટે કહ્યું હતું. બાદમાં રોહિતે બાળકો સામે રબર સોલ્યુશન રેડ્યું હતું અને આગ ચાંપી હતી.

હું અને અન્ય ભયભીત થયા હતા અને આવું નહીં કરવા માટે તેને સમજાવ્યો હતો. એ સમયે રોહિતે એરગન તાકી મને દૂર રહેવા માટે કહ્યું હતું. હું તુરંત સ્ટુડિયોની બહાર દોડી ગયો હતો અને બહાર ઊભેલા લોકોને તાત્કાલિક પોલીસને બોલાવવા માટે કહ્યું હતું, એમ રોહને જણાવ્યું હતું.

બાદમાં હું ઉપરના માળે ગયો હતો અને અંદરના બાળકોને બચાવવા માટે હથોડીથી સ્ટુડિયોની બારી તોડી નાખી હતી, જેથી મારા હાથમાં ઇજા થઇ હતી. એ સમયે રોહિતે મારી આંખોમાં પેપર સ્પ્રે કર્યું હતું, જેથી હું પડી ગયો હતો. મેં એક વરિષ્ઠ મહિલાને બહાર આવવા માટે મદદ કરી. તેને પણ માથામાં ઇજા થઇ હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button