રોહિત આર્ય કેસ: મહારાષ્ટ્ર સરકારે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા 2 કરોડના દાવાને નકારી કાઢ્યો...
Top Newsઆમચી મુંબઈ

રોહિત આર્ય કેસ: મહારાષ્ટ્ર સરકારે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા 2 કરોડના દાવાને નકારી કાઢ્યો…

પોલીસ કાર્યવાહીમાં માર્યા ગયેલા આર્યએ અગાઉ એક વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે રાજ્યએ તેમની કંપનીના નાગરી સ્વચ્છતા પહેલના કાર્ય માટે તેમને બે કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા રોહિત આર્ય દ્વારા કરવામાં આવેલા દાવાઓને નકારી કાઢ્યા છે. પોલીસ કાર્યવાહીમાં માર્યા ગયેલા આર્યએ અગાઉ એક વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારે તેમની કંપનીના નાગરી સ્વચ્છતા પહેલના કાર્ય માટે તેમને બે કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.

દુ:ખદ સંઘર્ષ પહેલા, આર્યએ એક વીડિયો બહાર પાડ્યો હતો જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમની કંપની, અપ્સરા મીડિયા એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક, નાગરી સ્વચ્છતા પ્રોજેક્ટમાં સામેલ થવા બદલ ચૂકવણી કરવામાં આવી નથી. આર્યના જણાવ્યા મુજબ કથિત લેણી રકમ પ્રોજેક્ટ લેટ્સ ચેન્જ સાથે જોડાયેલી હતી, જે સરકારી એજન્સીઓ સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવેલ સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ છે.

બીજી તરફ મહારાષ્ટ્રના શિક્ષણ વિભાગે એક વિગતવાર નિવેદન બહાર પાડ્યું જેમાં પુષ્ટિ આપવામાં આવી હતી કે 2022 અને 2023માં પ્રોજેક્ટ લેટ્સ ચેન્જના ભાગોને અમલમાં મૂકવા માટે અપ્સરા મીડિયાની પસંદગી કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ શાળાના વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની ટેવ પાડવાનો હતો, જેમાં 59 લાખ વિદ્યાર્થીઓને ‘સ્વચ્છતા મોનિટર’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ સહયોગના ભાગ રૂપે 30 જૂન, 2023ના રોજના સરકારી આદેશ દ્વારા 9.9 લાખ રૂપિયાની રકમ જારી કરવામાં આવી હતી. બાદમાં, 2023-24 નાણાકીય વર્ષ દરમિયાન, ‘મુખ્યમંત્રી માઝી શાળા સુંદર શાળા’ કાર્યક્રમ હેઠળ આ પ્રોજેક્ટને લંબાવવામાં આવ્યો હતો, જેમાં કુલ 20.63 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા મોનિટર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ માટે બે કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

જોકે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ભંડોળ માટે આર્યની રજૂઆતો અધૂરી હતી અને તેમાં જાહેરાત, માનવશક્તિ, ટેકનિકલ સપોર્ટ અને તેમની દસ્તાવેજી ‘લેટ્સ ચેન્જ’ના સ્ક્રીનીંગ માટે ખર્ચનો અંદાજ વધારે પડતો હતો. ‘આ ટેકનિકલ ખામીઓને કારણે, યોજના અમલમાં મૂકી શકાઈ નહોતી,’ એમ વિભાગે જણાવ્યું હતું.

સરકારે વધુમાં જાહેર કર્યું હતું કે આર્યએ સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લેવા માટે ‘નોંધણી ફી’ તરીકે શાળાઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા. શિક્ષણ વિભાગ અને પ્રધાન દાદાજી ભૂસેએ પુષ્ટિ આપી હતી કે આર્ય શાળાઓ અથવા અન્ય કોઈપણ સંસ્થા પાસેથી ભંડોળ મેળવવા અથવા પ્રાપ્ત કરવા માટે અધિકૃત નહોતો.

‘સરકારી પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર, નિયમો અને શરતો જેવી ચોક્કસ પ્રક્રિયાઓ ફરજિયાત છે. જો કે, આ કિસ્સામાં, આવી કોઈ ઔપચારિકતાઓનું પાલન કરવામાં આવ્યું નહોતું. ખાનગી પેઢી દ્વારા શાળાઓ પાસેથી પૈસા એકઠા કરવામાં આવ્યા હતા, જે સરકારી ધોરણો હેઠળ માન્ય નથી,’ એમ પ્રધાન ભૂસેએ જણાવ્યું હતું.

આર્યને ઓગસ્ટ 2023માં એકત્રિત ભંડોળ સરકારી ખાતામાં જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમને એ પણ જાણ કરવામાં આવી હતી કે ‘સ્વચ્છતા મોનિટર’ પહેલ ચાલુ રાખવાના તેમના પ્રસ્તાવ પર ત્યાં સુધી પ્રક્રિયા કરવામાં આવશે નહીં જ્યાં સુધી ભંડોળ પરત ન કરવામાં આવે અને આવા સંગ્રહનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી આપતું સોગંદનામું દાખલ કરવામાં ન આવે.

સરકારે જણાવ્યું હતું કે ફિલ્મ નિર્માતાએ આ નિર્દેશોનું પાલન કર્યું નથી.
2023ની વિધાનસભા ચૂંટણીઓ અને ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન તરીકે આવ્યા પછી, લેટ્સ ચેન્જ પહેલ ઔપચારિક રીતે વિખેરી નાખવામાં આવી હતી. શિક્ષણ વિભાગે પુષ્ટિ આપી હતી કે આ પ્રોજેક્ટ હવે સક્રિય નથી અને અપ્સરા મીડિયા અથવા રોહિત આર્ય તરફ કોઈ ભંડોળ બાકી નથી.

બીજી તરફ્ આર્યની પત્ની, અંજલિ આર્યએ મીડિયાને જણાવ્યું હતું કે તેમના પતિ માન્યતા અને તેમના કાર્ય માટે મંજૂર કરાયેલા રૂ. બે કરોડ બંને માટે લડી રહ્યા હતા. જો કે, સબમિટ કરેલા દસ્તાવેજોમાં પ્રક્રિયાગત ઉલ્લંઘન અને નાણાકીય અનિયમિતતાઓને ટાંકીને રાજ્યનો દાવો છે કે આવી કોઈ ચુકવણી મંજૂર કરવામાં આવી નથી અથવા બાકી નથી.

આ પણ વાંચો…એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રોહિત આર્યાના કેમ્પેઈનને નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું હતું

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button