નવી મુંબઇમાં જ્વેલરી સ્ટોરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ, જુઓ વીડિયો

નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટની એક દિલધડક ઘટના જાણવા મળી છે. અહીં ખારઘર સેક્ટર 35માં ત્રણ લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયારો વડે જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવી હતી. જ્યારે લૂંટારુઓ દુકાનની બહાર આવ્યા, ત્યારે દુકાનના લોકો તેમની પાછળ દોડ્યા, પણ લૂંટારૂઓના હાથમાં પિસ્તોલ હતી અને તેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું.
ગોળી ચલાવવામાં આવી એટલે દુકાનનો સ્ટાફ આગળ વધતા અટકી ગયો હતો. દરમિયાન લૂંટારૂઓ સ્કૂટર પર ફરાર થઈ ગયા હતા. આ ઘટના રવિવારે રાતે 9.45 કલાકની આસપાસ બની હતી. આ અંગેની માહિતી મળતા ખારઘર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. જ્વેલર્સની આ દુકાનનું નામ બી એમ જ્વેલર્સ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના સ્ટોરના સીસીટીવી સર્વેલન્સમાં કેદ થઇ હતી, જેમાં ત્રણ હેલ્મેટધારી શખ્સો દુકાનદારને બંદૂકની અણી પર હાથ ઉંચા કરવા કહે છે અને પછી લૂંટ કરીને ભાગી જાય છે. હાલમાં લૂંટારુઓની શોધખોળ ચાલુ છે. હજી સુધી આ લૂંટ અંગે કોઇની ધરપકડ કરવામાં આવી નથી.