નવી મુંબઈમાં રોડ રેજની ઘટનામાં એકની હત્યા: બે યુવાન વિરુદ્ધ ગુનો
થાણે: નવી મુંબઈમાં બનેલી રોડ રેજની ઘટનામાં બાઈકસવાર બે અજાણ્યા યુવાને માથામાં હેલ્મેટ ફટકારી સ્કૂટરસવારને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ પ્રકરણે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે બન્ને યુવાનની શોધ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની રાતે નવી મુંબઈના ખારઘર પરિસરમાં બની હતી. મૃતકની ઓળખ શિવકુમાર રોશનલાલ શર્મા (45) તરીકે થઈ હતી.
આ પણ વાંચો: અંબરનાથના પુલ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા: પ્રેમી પકડાયો
વાશીમાં રહેતો શર્મા સ્કૂટર પર બેલપાડા-ઉત્સવ ચોક માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. શર્માએ આગળ જઈ રહેલી બાઈકને ઓવરટેક કરી હતી. એકદમ નજીકથી પસાર થયેલા શર્મા પર બાઈકસવાર યુવાનો રોષે ભરાયા હતા.
બાઈકસવારોએ શર્માના સ્કૂટરનો પીછો કરી થોડે અંતરે તેને રોક્યો હતો. ઓવરટેક કરવા બદલ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. રોષમાં આવી એક યુવાને શર્માને પકડી રાખ્યો હતો, જ્યારે બીજાએ તેના માથા પર હેલ્મેટ ફટકારી હતી.
ગંભીર ઇજાને કારણે શર્મા બેભાન થઈ રસ્તા પર ઢળી પડ્યો હતો. હુમલા બાદ બાઈકસવાર બન્ને યુવાન ફરાર થઈ ગયા હતા. રાહદારીઓ શર્માને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પ્રકરણે ખારઘર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓની શોધ ચલાવી રહી છે.
(પીટીઆઈ)