આમચી મુંબઈ

એલ્ફિન્સ્ટન બ્રિજ પર એક્ટિવા સ્લીપ થઇ જતાં પ્રભાદેવીના કચ્છીનો જીવ ગયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પિતરાઇ સાથે બુધવારે સવારના એક્ટિવા સ્કૂટર પર પરેલ જવા નીકળેલા પ્રભાદેવીના 40 વર્ષના કચ્છીએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. એલ્ફિન્સ્ટન બ્રિજ પર સ્કૂટર સ્લીપ થવાથી પાછળ બેઠેલા જીગર દિલીપભાઇ ગાલાને માથામાં ગંભીર ઇજા થઇ હતી અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

કચ્છના લાકડીયાના અને પ્રભાદેવીમાં વી. એસ. રોડ પર ગેમન ઇન્ડિયાની સામે આવેલી ભીખુ બિલ્ડિંગમાં રહેતા અને સ્ટેશનરીનો વ્યવસાય ધરાવતા દિલીપભાઇ ગાલા (69)નો પુત્ર જીગર બુધવારે વહેલી સવારે તેના પિતરાઇ ભાવિન સાથે કામ નિમિત્તે પરેલ જવા માટે એક્ટિવા સ્કૂટર પર નીકળ્યો હતો.

ભાવિન સ્કૂટર ચલાવી રહ્યો હતો, જ્યારે જીગર પાછળ બેઠો હતો. તેઓ સ્કૂટર પર એલ્ફિન્સ્ટન બ્રિજ પર પહોંચ્યા ત્યારે તેમનું સ્કૂટર અચાનક સ્લીપ થતાં બંને જણ રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં જીગરના માથામાં ગંભીર ઇજા થઇ હતી.

ઘાયલ જીગરને તાત્કાલિક કેઇએમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સવારે 7.40 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. જીગરના મૃત્યુથી તેના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. જીગર પરિણીત હતો અને પિતાને વ્યવસાયમાં મદદ કરતો હતો.

દાદર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે બુધવારે સવારના 6.15 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો હતો. જીગરના પિતાનું અમે નિવેદન નોંધ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button