વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યા અંગે કોર્ટે સત્તાવાળાઓને શું કરી અપીલ?
મુંબઈ: ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાનો વિષય છે, એમ નોંધતા બૉમ્બે હાઇ કોર્ટે આજે સત્તાવાળાઓને આ બાબતે તાત્કાલિક પગલાં લેવાનું કહ્યું હતું.
કોર્ટે કહ્યું હતું કે શારીરિક અને માનસિક સ્વસ્થતા વિદ્યાર્થીઓ માટે બહુ જરૂરી હોય છે. વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના વધતા કેસ પર ચિંતા વ્યક્ત કરતા બાળ અધિકાર કાર્યકર શોભા પંચમુખ દ્વારા કરાયેલી જનહિત અરજીની સુનાવણી દરમિયાન હાઇ કોર્ટે ઉક્ત નિવેદન કર્યું હતું.
આ પણ વાંચો: કોટાના માર્ગે સીકર? NEETની તૈયારી કરવા આવેલા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ચકાસવા તમામ કોલેજોમાં કાઉન્સિલર નિમવા અંગેનો સર્ક્યુલર બહાર પાડવા માટે મુંબઈ યુનિવર્સિટીને નિર્દેશ કરવામાં આવે એવી માગણી અરજીમાં કરાઇ હતી. ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓની આત્મહત્યા કરવા તરફ પ્રેરી જવાની માનસિકતાને રોકવા અંગે કોઇ નક્કર પગલાંનો અભાવ હોવાનું પણ અરજીમાં ટાંકવામાં આવ્યું હતું.
‘આ પ્રકારની ઘટના ખરેખર ચિંતાનો વિષય છે અને સંબંધિતો દ્વારા તેની માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે’, એમ કોર્ટે જણાવ્યું હતું. યુનિવર્સિટીઓએ કાયદેસર આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવું જોઇએ અને મહારાષ્ટ્ર યુનિવર્સિટી એક્ટ હેઠળ કોલેજો, યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના કલ્યાણની ખાતરી કરવી જોઇએ, એમ કોર્ટે જણાવ્યું હતું.