‘લંકા તો અમે બાળીશું કેમ કે….’ ફડણવીસે એકનાથ શિંદેને આપ્યો જવાબ! મહાયુતિમાં તિરાડના અહેવાલ

મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ યોજવાની છે, એ પહેલા મહારષ્ટ્રના રાજકરણમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં મહાયુતીમાં મતભેદોના અહેવાલો છે. ભાજપ અને શિવસે(એકનાથ શિંદે જૂથ)ના વચ્ચે કેટલાક મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. એવામાં ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે આપેલા એક નિવેદનને કારણે ગઠબંધનમાં તિરાડ ખુલી પડી છે.
સામાન્ય રીતે વિવાદાસ્પદ મુદ્દાઓ પર ટિપ્પણી કરવાથી દુર રહેતા રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેના લંકા બાળવા અંગેના નિવેદનનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે લંકા તો અમે બળીશું કેમ કે અમે ભગવાન શ્રી રામમાં માનવા વાળા છીએ.
નોંધનીય છે કે અગાઉ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કથિત રીતે ભાજપની સરખામણી રાવણ સાથે કરી હતી, જો કે તેમણે ભાજપ કે કોઈ નેતાનું સીધું નામ લીધું ન હતું.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
બુધવારે પાલઘર જિલ્લામાં નગર પંચાયત અને મ્યુનિસિપલ બોડીની ચૂંટણી માટે પ્રચાર રેલી દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “જે લોકો અમારા વિશે કંઈ પણ બોલી રહ્યા છે, તેને ધ્યાનમાં ન લો. તેઓ કહી રહ્યા છે કે તેઓ અમારી લંકાને બાળી નાખશે. પરંતુ અમે લંકામાં નથી રહેતા, અમે ભગવાન રામના અનુયાયીઓ છીએ, રાવણના નહીં. ચૂંટણી દરમિયાન આવી વાતો થતી રહે છે; તેમને ગંભીરતાથી ન લો.”
આ વિસ્તારમાં એક રેલી દરમિયાન લોકોને સંબોધતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે રાવણ પણ અહંકારી હતો અને તેની લંકા બળી ગઈ હતી. તમારે 2 ડિસેમ્બરે પણ આવું જ કરવાનું છે.
શું છે વિવાદનું કારણ?
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ પહેલા શિવસેનાના કેટલાક કાઉન્સિલરો ભાજપમાં જોડાયા હતાં, જેને કારણે શિવસેનાના નેતાઓ ભાજપથી નારાજ થયા છે. શિવસેનાનો આરોપ છે કે ભજપ શિવસેનાના સંગઠનને નબળું પાડી રહ્યું છે.
શિવસેનાના પ્રધાનોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહીને સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો.
ગઠબંધનમાં તકરારનો મુદ્દો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સુધી પહોંચ્યો હતો. એકનાથ શિંદે અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા હતાં. અહેવાલ મુજબ અમિત શાહે તેમને ખાતરી આપી હતી કે જો શિવસેના ભાજપના આગેવાનોને પોતાના પક્ષમાં સામેલ નહીં કરે, તો ભાજપ પણ એવું કરશે નહીં.
મહારાષ્ટ્રના શાસક ગઠબંધનમાં તિરાડ વધી રહી છે. ખાસ કરીને ભાજપ અને શિવસેના વચ્ચે, જેઓ સમાન હિન્દુત્વ વિચારધારાને વળગી રહેવાનો દાવો કરે છે, તેમનો સંઘર્ષ વધી રહ્યો છે. બંને પક્ષો એકબીજાના પક્ષોના નેતાઓને શોધી રહ્યા છે અને તેમને પોતાના પક્ષમાં સામેલ કરી રહ્યા છે. વધુમાં, અન્ય અનેક મુદ્દાઓ પર મતભેદો છે. તાજેતરમાં, આ મામલો અમિત શાહ સુધી પહોંચ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ સર્વસંમતિ થઈ નથી.
આ પણ વાંચો…મહાયુતિનો ઉકળી રહેલા ચરુનો વિસ્ફોટ થશે કે ઠંડું પાણી પડશે?



