નેવીનગરમાંથી રાઇફલ-બૂલેટ્સની ચોરીનો કેસ: આરોપી અગ્નિવીર અને ફરિયાદી એક જ બૅચના: પોલીસ
મુંબઈ: કોલાબાના નેવીનગરમાંથી પોતાના ભાઇ સાથે મળીને ઇન્સાસ રાઇફલ તથા બૂલેટ્સ ચોરવા બદલ તેલંગણાથી પકડાયેલો અગ્નિવીર રાકેશ ડુબુલા અને આ કેસનો ફરિયાદી બૅચમેટ્સ હતા. બંનેની ભરતી 2023માં થઇ હતી, એવી માહિતી તપાસમાં સામે આવી છે.
આ કેસમાં નવી હકીકત સામે આવતાં હવે ફરિયાદીની પણ પોલીસ પૂછપરછ કરશે. દરમિયાન આ કેસમાં આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે.
પોલીસે એવું શોધી કાઢ્યું હતું કે 22 વર્ષનો રાકેશ ડુબુલા કેરળના કોચીથી મુંબઈ આવ્યો હતો અને ભાઇ ઉમેશ ડુબુલા સાથે મળીને તેણે 6 સપ્ટેમ્બરે ગુનો આચર્યો હતો.
નેવીનગરમાં નેવલ યુનિફોર્મ પહેલી પ્રવેશેલો રાકેશ ડુબુલા ત્યાં ફરજ બજાવી રહેલા ફરિયાદી પાસે પહોંચ્યો હતો અને તેને રિલિવ કરવા આવ્યો હોવાનું કહીં રાકેશે તેની રાઇફલ તથા બૂલેટ્સ ભરેલી બે મેગેઝિન તેની પાસે માગી હતી. રાઇફલ અને મેગેઝિન રાકેશને આપીને ફરિયાદી હોસ્ટલમાં ગયો હતો. કલાક બાદ તે પાછો ફરતાં રાકેશ ગાયબ હતો.
દરમિયાન રાઇફલ-મેગેઝિન ચોર્યા બાદ રાકેશ તેના ભાઇ ઉમેશ સાથે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ગયો હતો, જ્યાંથી તેઓ કલ્યાણ, પુણે, વાડી જંકશન અને સિકંદરાબાદ પહોંચ્યા હતા. બંને ભાઇ તેલંગણાના આસિફાબાદના રહેવાસી છે. બંને ભાઇની નક્સલવાદીઓ સાથે કડી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ગુના પાછળના હેતુ હજી પણ જાણી શકાયો ન હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
આ પણ વાંચો…લાલ કિલ્લામાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો; આ રીતે ગઠિયો સેરવી ગયો સોના-હીરાનો એક કરોડનો કળશ…