આમચી મુંબઈ
નવી મુંબઇમાં ખાડીમાં ઝંપલાવનારા રિક્ષાચાલકને બચાવી લેવાયો

મુંબઈ: નવી મુંબઈમાં ઘરેલું વિવાદને લઇ આત્મહત્યા કરવા માટે ખાડીમાં ઝંપલાવનારા 27 વર્ષના રિક્ષાચાલકને પોલીસે બચાવી લીધો હતો.
ચેમ્બુર વિસ્તારની સિદ્ધાર્થનગર કોલોનીમાં રહેતા રિક્ષાચાલકે ગુરુવારે સવારે ઐરોલી બ્રિજ પરથી ખાડીમાં કૂદકો માર્યો હતો.
ત્યાંથી પસાર થનારા લોકોની નજર પડતાં તેમણે તાત્કાલિક પોલીસને તેની જાણ કરી હતી, જેને પગલે પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રિક્ષાચાલકને બચાવી લીધો હતો.
રબાળે-એમઆઇડીસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રિક્ષાચાલકને અન્ય મહિલા સાથે તેની પત્નીએ પકડી પાડ્યો હતો, જેને કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આથી ગુસ્સામાં તે બુધવારે રાતના ઘરેથી નીકળી ગયો હતો અને ગુરુવારે સવારે તેણે ખાડીમાં ઝંપલાવ્યું હતું.
(પીટીઆઇ)