મર્ચન્ટ નેવીના નિવૃત્ત અધિકારીને ઝેરી આપી મોતને ઘાટ ઉતાર્યો: પિતા-પુત્ર પકડાયા

થાણે: થાણે જિલ્લામાં મિલકતને લઇ પોતાના સંબંધી એવા મર્ચન્ટ નેવીના નિવૃત્ત અધિકારીને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાના આરોપસર પિતા અને સગીર પુત્રની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ જણાવ્યું હતું.
કલ્યાણના રહેવાસી મૂકેશ શ્યામસુંદર કુમાર (62)ને 11 ઑગસ્ટે પિતા-પુત્રએ ઝેરી આપી મારી નાખ્યો હતો. તેમણે મૂકેશના મૃતદેહને બેગમાં રાખ્યો હતો અને 14 ડિસેમ્બરે કલ્યાણ-નગર રોડ નજીક ફેંકી દીધો હતો.
15 ઑગસ્ટે મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકની તાત્કાલિક ઓળખ થઇ શકી નહોતી, કારણ કે મૂકેશના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. તેના સંતાનો વિદેશમાં રહે છે.
થાણે ગ્રામીણ પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રકાશ સાહિલને તાજેતરમાં મળેલી માહિતી પોલીસને વરાપ ગામ સુધી દોરી ગઇ હતી, જ્યાં મૂકેશનો પિતરાઇ અજયકુમાર મિશ્રા રહે છે.
આ પણ વાંચો : શ્વાન સહિત પાળેલા પ્રાણીઓ સંબંધિત સમસ્યા માટે થાણેમાં યોજાયું સંમેલન
પોલીસે મિશ્રા અને તેના 17 વર્ષના પુત્રની પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને મૂકેશની હત્યાની કબૂલાત કરી હતી. બંનેની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મિશ્રાએ કોઇ બહાના હેઠળ મૂકેશને પોતાના ઘરે બોલાવ્યો હતો, જ્યાં તેની મિલકત હડપ કરવા તેને ઝેરી આપી મારી નાખવામાં આવ્યો હતો. મિશ્રા અને તેના પુત્રએ બાદમાં મૃતદેહ કલ્યાણ-નગર રોડ નજીક ફેંકી દીધો હતો.
મિશ્રા હાલ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે તેના પુત્રને ભિવંડીના બાળસુધારગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)