નિવૃત્ત પોલીસ અધિકારી, તેના ડૉક્ટર મિત્રએ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં 1.44 કરોડ રૂપિયા ગુમાવ્યા

થાણે: વિવિધ સ્કીમોમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે થાણેના નિવૃત્ત પોલીસ અધિકારી અને તેના ડૉક્ટર મિત્ર સાથે 1.44 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બે વર્ષમાં થયેલી આ છેતરપિંડી પ્રકરણે પોલીસે પુણે અને ગોવાના બે રહેવાસી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કલ્યાણના રહેવાસી 67 વર્ષના નિવૃત્ત પોલીસ અધિકારી અને તેના ડૉક્ટર મિત્રને આરોપીઓએ શેર ટ્રેડિંગમાં સંકળાયેલી કંપનીઓમાં મોટી રકમના રોકાણ પર આકર્ષક વળતર અપાવવાનું વચન આપ્યું હતું.
આપણ વાચો: શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ઠગનારા સાયબર ઠગ પકડાયા
આરોપીઓએ પ્રારંભમાં વિશ્ર્વાસ સંપાદન કરવા માટે તેમને રોકાણ સામે નાની રકમના વળતરો આપવાનું શરૂ કર્યું હતું. જોકે બાદમાં ધીમે ધીમે ચુકવણી સાવ બંધ કરી દીધી હતી.
પીડિતોએ પોતાની મૂળ રકમ પાછી માગી ત્યારે આરોપીઓ તેમને ટાળવા લાગ્યા હતા અને ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા. બાદમાં તેમના કૉલ લેવાનું આરોપીઓએ બંધ કરી દીધું હતું.
પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે 21 નવેમ્બરથી પોલીસે ઊંડાણથી તપાસ શરૂ કરી છે. જોકે આ કેસમાં હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
આપણ વાચો: રોકાણ પર આકર્ષક વળતરની લાલચે નિવૃત્ત સરકારી અધિકારી સાથે 2.85 કરોડની ઠગાઇ
પોલીસે નાણાંનું પગેરું મેળવવા માટે આરોપીઓના બૅંક વ્યવહારો, રોકાણના દસ્તાવેજો તેમ જ સંદેશવ્યવહારની નોંધની તપાસ કરી રહી છે. આરોપીઓએ આ પ્રમાણે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હોવાની પોલીસને શંકા છે.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને 34 (સમાન હેતુ) તથા મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીડીએ) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)



