આમચી મુંબઈ

નિવૃત્ત મહિલા બૅન્કર સાથે 1.35 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ: 12 વિરુદ્ધ ગુનો

મુંબઈ: શૅર્સમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે સાયબર ઠગ ટોળકીએ નિવૃત્ત મહિલા બૅન્કર પાસેથી 1.35 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ પ્રકરણે સાયબર પોલીસે 12 જણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર 63 વર્ષની મહિલા સાથે 10 નવેમ્બરથી 19 ડિસેમ્બર દરમિયાન છેતરપિંડી થઈ હતી. મહિલાએ યુટ્યૂબ પર ‘જૈનમ બ્રોકિંગ લિમિટેડ’ નામની કંપનીની જાહેરખબર જોઈ હતી. બાદમાં મહિલાના મોબાઈલ નંબરને ‘121 કમ્યુનિટી હબ જૈનમ’ નામના વ્હૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો.

ગ્રૂપમાં અમુક એડ્મિને નોંધ્યું હતું કે ગ્લોબલ ફાઈનાન્સિયલ એલાઈટ શોડાઉન (જીએફઈએસ)માં જૈનમ કંપની ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ભવિષ્યમાં ઊંચું વળતર અને નફો મળવાની ખાતરી રોકાણકારોને આપી હતી. એ સિવાય કંપની માટે વધુમાં વધુ મત લાવી આપનારને કંપની દર સપ્તાહે પાંચ હજારથી દસ હજાર રૂપિયા આપશે, એવી લાલચ પણ આપવામાં આવી હતી.

આપણ વાચો: શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ઠગનારા સાયબર ઠગ પકડાયા

ફરિયાદીના મોબાઈલ ફોન પર એક લિંક મોકલવામાં આવી હતી, જેના પર ક્લિક કરતાં મહિલાને બીજા ગ્રૂપમાં એડ કરવામાં આવી હતી. રોકાણના હેતુથી ફરિયાદીને બૅન્ક ખાતાની વિગતો આપવામાં આવી હતી. એ બૅન્ક ખાતામાં ફરિયાદીએ 19 નવેમ્બરે 80 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા અને બીજે જ દિવસે તેના ખાતામાં 88 હજાર રૂપિયા જમા હોવાનું દર્શાવાયું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

તાત્કાલિક મળતા નફાથી આકર્ષાઈને ફરિયાદીએ 1.35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેની સામે તેના ખાતામાં 3.5 કરોડ રૂપિયા જમા હોવાનું દર્શાવાયું હતું. આમાંથી અમુક રકમ કઢાવવાનું ફરિયાદીએ નક્કી કર્યું હતું. જોકે ઠગે કહ્યું હતું કે 1.5 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે તો 100 ટકા નફો મળશે.

આપણ વાચો: વેચેલા ફલેટની સવા કરોડની રકમ સાયબર ઠગ પડાવી ગયા

અધિકારીએ જણાવ્યું હતું કે બાદમાં કપનીના અધિકારીએ ફરિયાદીના એકાઉન્ટ પર 1.5 કરોડ રૂપિયાની લોન ઉપલબ્ધ હોવાનો ડોળ કર્યો હતો. થોડા દિવસ પછી ફરિયાદીના વર્ચ્યુઅલ એકાઉન્ટની રકમ 10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

ફરિયાદીએ 70 લાખ રૂપિયા વિથડ્રોઅલ માટે કંપનીને રિક્વેસ્ટ મોકલી હતી, પરંતુ કંપની દ્વારા જણાવાયું હતું કે 1.5 કરોડ રૂપિયાની લોનનું વ્યાજ ચૂકવ્યા પછી જ ખાતામાંથી નાણાં કઢાવી શકાશે. આખરે પોતે છેતરાઈ હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે ઈસ્ટ રિજન સાયબર પોલીસે શનિવારે 12 જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button