થાણેમાં અપહરણ કરાયેલા છ મહિનાનો બાળકનો છુટકારો: બેની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં છ મહિનાના બાળકનું અપહરણ કરવા બદલ રવિવારે પોલીસે રિક્ષાચાલક અને દરજીની ધરપકડ કરી હતી. અપહૃત બાળકનો ઉલ્હાસનગરમાં દરજીના નિવાસેથી છુટકારો કરાવવામાં આવ્યો હતો.
કલ્યાણના મુરબાડ માર્ગ પરના ફૂટપાથ પર શુક્રવારે મળસકે બાળક તેની માતા સાથે સૂઇ રહ્યું હતું ત્યારે રિક્ષાચાલકે તેનું અપહરણ કર્યું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3 કલ્યાણ) સચિન ગુંજાલે જણાવ્યું હતું કે પુત્ર મળી ન આવતાં તેની માતાએ મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે અપહરણનો ગુનો દાખલ કરીને તેની શોધ માટે ત્રણ ટીમ તૈયાર કરાઇ હતી.
પોલીસ ટીમે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ત્યાર બાદ મળેલી માહિતીને આધારે રિક્ષાચાલકને તાબામાં લીધો હતો, જેની ઓળખ દિનેશ ભૈયાલાલ સરોજ (35) તરીકે થઇ હતી. દિનેશ સરોજની પૂછપરછમાં તેના સાથીદાર રાજેન્દ્રકુમાર પ્રજાપતિ (25)નું નામ સામે આવ્યું હતું.
પોલીસે બાદમાં પ્રજાપતિને પણ ઝડપી પાડ્યો હતો અને તેના ઘરેથી અપહૃત બાળકનો છુટકારો કરાવ્યો હતો. બાળકને બાદમાં તેની માતાને હવાલે કરાયું હતું.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે રિક્ષાચાલક ઘટનાસ્થળેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની નજર ફૂટપાથ પર માતા સાથે સૂતેલા બાળક પર પડી હતી. તે ચૂપચાપ બાળકને ઉપાડી ત્યાંથી પલાયન થઇ ગયો હતો અને પ્રજાપતિના ઘરે પહોંચ્યો હતો. (પીટીઆઇ)