પુત્રી સાથે વારંવાર દુષ્કર્મથી તે ગર્ભવતી બની: ફરાર પિતા ત્રણ મહિને ઝડપાયો
પિતાની મારપીટથી કસૂવાવડ બાદ પુત્રીએ ટીબીથી જીવ ગુમાવ્યો

પાલઘર: નાલાસોપારામાં પુત્રી સાથે વારંવાર દુષ્કર્મ કરવાને કારણે તે ગર્ભવતી બન્યા પછી ફરાર થઈ ગયેલા પિતાને ક્રાઈમ બ્રાન્ચે ત્રણ મહિને પકડી પાડ્યો હતો. સગર્ભા પુત્રીની મારપીટને કારણે કસૂવાવડ બાદ યુવતીએ ટીબીની સારવાર મળે તે પહેલાં જ જીવ ગુમાવ્યો હતો.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના સિનિયર ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખે જણાવ્યું હતું કે 2021થી નવેમ્બર, 2023 દરમિયાન 22 વર્ષની પુત્રી સાથે વારંવાર દુષ્કર્મ કરવા પ્રકરણે ગુનો નોંધાયા બાદ નાલાસોપારામાં રહેતો 53 વર્ષનો પિતા ફરાર થઈ ગયો હતો. આરોપીએ સગર્ભાની મારપીટ કરી હતી, જેને કારણે તેને કસૂવાવડ થઈ હતી.
અધિકારીના જણાવ્યા મુજબ ગયા વર્ષની 14 નવેમ્બરે યુવતીને ગંભીર હાલતમાં ટીબીની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે એ જ દિવસે યુવતીનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે યુવતીની માતાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપી પુત્રી સાથે પત્નીની પણ મારપીટ કરતો હતો.
ફરિયાદને આધારે નાલાસોપારા પોલીસે નવેમ્બરમાં આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(એન), 354એ, 342, 312, 323, 504 અને 506 હેઠળ ગુનો નોંધ્યો હતો. ઘટના બાદથી ફરાર આરોપીની શોધ માટે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીને વિરાર પરિસરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. ફરાર થયા પછી આરોપી મુંબઈ અને ઔરંગાબાદમાં વારંવાર તેનું રહેઠાણ બદલતો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)