પરેલ ટીટી બ્રિજનું ઓક્ટોબરથી સમારકામ પણ બંધ નહીં કરાય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પરેલ ટીટી ફ્લાયઓવરનું માળખાકીય સમારકામ કરીને તેને મજબૂત કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. વાહનચાલકોને તેને કારણે જોકે હેરાનગતીનો સામનો કરવો ન પડે તેમ માટે ફ્લાયઓવરને સંપૂર્ણરીતે બંધ નહીં કરતા વારાફરતી લેનને બંધ કરીને તબક્કાવાર સમારકામ હાથ ધરવામાં આવવાનું છે.
બે વર્ષ અગાઉ પરેલ ટીટી બ્રિજનું સમારકામ કરવાની યોજના હતી પણ તે સમયે લોઅર પરેલમાં ડિલાઈલ રોડ બ્રિજનું પુનર્નિમાણનું કામ ચાલી રહ્યું હોવાથી પરેલ ટીટીનું સમારકામ મુલતવી રાખવામાં આવ્યું હતું. બંને પુલના કામ એકી વખતમાં હાથ ધરવામાં આવ્યા હોત તો મધ્ય મુંબઈમાં ટ્રાફિક સમસ્યા વકરી જવાની શક્યતા હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે ૧૯૮૦ની સાલમાં પરેલ ટીટી ફ્લાયઓવર બાંધવામાં આવ્યો હતો. જોકે આ ફ્લાયઓવર પર મોટા પ્રમાણમાં વાહનોનો પસાર થતા હોવાથી વર્ષોથી ફ્લાયઓવરના એક્પાન્શન જોઈન્ટ (પુલના સાંધા)ઓની હાલત ખરાબ થઈ ગઈ છે. સાંધાઓ નબળા પડવાને કારણે ફ્લાયઓવર પર ખાસ કરીને ચોમાસામાં ખાડા પડવાનું જોખમ વધી જાય છે. તેથી પાલિકાએ પરેલ ટીટી પુલનું સમારકામ અને તેના સાંધાઓને મજબૂત કરવા માટે ૨૦૨૪માં ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી હતી. જોકે તે અગાઉ પાલિકાએ લોઅર પરેલનો ડિલાઈલ બ્રિજ ખુલ્લો મુકાય તેની રાહ જોઈ હતી. આ પુલ નવેમ્બર ૨૦૨૩માં ખુલ્લો મુકાયા બાદ પરેલ ટીટી માટે પાલિકા આગળ વધી હતી.
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ ૧૭ કરોડ રૂપિયા છે. આ કામમાં પાલિકા માળખાકીય સમારકામ અને બેરિંગ્સ બદલવાનું કામ કરશે. પ્રોજેક્ટમાં મુખ્ય કામ બ્રિજના એક્પાન્શન જોઈન્ટની સંખ્યા ૨૨થી ઘટાડીને ૧૦ કરવાની છે, જેનાથી વાહનચાલકોની સવારીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. ફ્લાયઓવર પર હાલ ડામરની સપાટી છે તેને કૉંક્રીટથી બદલવામાં આવવાની છે, જેનાથી ચોમાસા દરમ્યાન ખાડા પડવાની સમસ્યાથી રાહત મળશે.
પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતં કે સમારકામ માટે આખો ફ્લાયઓવર બંધ કરવો શક્ય નથી, તેનાથી મધ્ય મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા વકરી જશે. તેથી પહેલા ફ્લાયઓવરની એક લેનને બંધ કરીને તેનું કામ હાથ ધરવામાં આવશે અને તે મુજબ ટ્રાફિક પોલીસની મંજૂરી લેવામાં આવશેે. સમગ્ર કૉંક્રીટીંગનું કામ ત્રણ મહિનાની અંદર પૂરું થવાની અપેક્ષા છે. ત્યારબાદ ૧૪ દિવસની ક્યોરિંગ કરવામાં આવશે. કૉંક્રીટીંગનુંં કામ પૂરું થયા પછી બીજી લેનનું કામ હાથ ધરવામાં આવશે. સમારકામ દરમ્યાન ફ્લાયઓવરનો થોડા ભાગ ખુલ્લો રહે એવો પ્રયાસ રહેશે.
આ પણ વાંચો…મુંબઈમાં ખાડા ભરવાના ખર્ચમાં ૫૦ ટકાનો ઘટાડો