તાનસા મેઈન પાઈપલાઈનનું સમારકામ પૂરું: મુંબઈનો પાણીપુરવઠો પૂર્વવત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારી તાનસા મેઈન પાઈપલાઈનમાં શુક્રવારે પડેલ ભંગાણનું કામ શનિવારે બપોરના પૂરું થઈ જતા બહુ જલદી પાણીપુરવઠો પૂર્વવત થશે એવો દાવો પાલિકાના પાણીપુરવઠા વિભાગે કર્યો હતો.
શુક્રવારે બપોરના ભંગાણ પડતા પાણીનું ગળતર રોકવા માટે યુદ્ધનાં ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. શુક્રવારથી ગળતરનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું જે શનિવાર બપોરના ૧.૩૦ વાગે પૂરું થયું આ દરમિયાન મુંબઈના અમુક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહ્યો હતો તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થયો હતો.
જોકે સમારકામ પૂરું થયા બાદ બહુ જલદી પાણીપુરવઠો પૂર્વવત થશે એવો દાવો પાલિકાએ કર્યો છે. જોકે થોડા દિવસ સુધી નાગરિકોને પાણી ગરમ કરીને ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.
પવઈ પરિસરમાં આરે કોલોનીમાં ગૌતમ નગરમાં શુક્રવારે બપોરના પોણા એક વાગ્યાની આસપાસ ૧,૮૦૦ મિ.મી. વ્યાસની મેઈન પાઈપલાઈન ફૂટી ગઈ હતી, તેને કારણે પાઈપલાઈનમાંથી રીતસરનો પાણીનો ફુવારો ઊડતો હોવાનું જણાઈ રહ્યું હતું. લાખો લિટર પાણી રસ્તા પર આવી ગયું હતું.
મેઈન પાઈપલાઈન ફુટવાને કારણે અંધેરી, જોગેશ્ર્વરી, વિલેપાર્લે (પૂર્વ), સાંતાક્રુઝ, બાન્દ્રા, ખાર, બહેરામ પાડા, બાન્દ્રા રેલવે ટર્મિનસ, ધારાવી, દાદર અને માહિમ વિસ્તારના પાણીપુરવઠાને અસર થઈ હતી.