મલબાર હિલ જળાશયના સમારકામ પહેલા બે વૈકલ્પિક પાણીની ટાંકી બનાવવામાં આવશે:સુધરાઈ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મલબાર હિલ જળાશયના સમારકામ પહેલા બે વૈકલ્પિક પાણીની ટાંકી બનાવવામાં આવશે:સુધરાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મલબાર હિલ જળાશયનું તાજેતરમાં સત્તાવાર રીતે ઈન્સ્પેકશન કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકા સમારકામ શરૂ કરતા પહેલા બે વૈકલ્પિક પાણીની ટાંકી બનાવવાનું વિચાર કરી રહી છે.

મલબારહિલ જળાશયનું સમારકામ હાથ ધરવા પહેલા તાત્પૂરતા અને હાલ રહેલા જળાશયની સરખામણીમાં નાના આકરાની ટાંકી ઊભી કરવાનું આવશ્યકતા હોવાનો અભિપ્રાય ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) રૂરકી દ્વારા આપવામાં આવ્યો હતો.

તેમની ભલામણની પાર્શ્ર્વભૂમિ પર સ્થાનિક નાગરિક અને પર્યાવરણ પ્રેમી સહિત પાલિકાના અધિકારીઓએ નજીકની જગ્યાનું ઈન્સ્પેકશન કર્યું હતું પણ તે જગ્યા પર ફક્ત સાત મિલ્યન લિટરની ક્ષમતાની જ ટાંકી બાંધી શકાશે એવું જણાયું હતું, જે અપૂરતી છે. તેથી વધુ એક ટાંકીની આવશ્યકતા હોવાનો અભિપ્રાય આઈઆઈટીએ આપ્યો હતો. તેથી મલબાર હિલ જળાશયના સમારકામ પહેલા પાલિકાએ આ પરિસરમાં બે ટાંકીઓ કયાં બાંધી શકાય તે માટે જગ્યા પર ઈન્સ્પેકશન કર્યું હતું.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અમે બે પ્રસ્તાવિત સ્થળોને ઓળખી કાઢ્યા છે. એક જળાશયની બાજુમાં અને બીજી જગ્યા હૅગિંગ ગાર્ડનની પાછળની છે. જોકે જળાશયની બાજુમાં આવેલી જગ્યા મર્યાદિત ક્ષમતા ધરાવે છે, તેને કારણે વધારાની ૩૫ એમએલડીની ટાંકી બનાવવાની જરૂર છે. બે અલગ ટાંકીઓનું સંચાલન કરવાથી ઓપરેશનલ પડકારો ઊભા થવાની શક્યતા છે. તેથી અમે હાલમાં બંને વિકલ્પોને અસરકારક રીતે ચલાવવાની શક્યતાનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. પ્રોજેક્ટ માટે કાપવાની જરૂરિયાત હોય તેવા વૃક્ષોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે.

પ્રતિષ્ઠિત હેગિંગ ગાર્ડનની નીચે આવેલું સૌથી જૂનું જળાશય દક્ષિણ મુંબઈને દરરોજ ૧૪૭ એમએલડી પાણી પૂરું પાડે છે. પાલિકાએ શરૂઆતમાં આ બાંધકામને તોડી પાડીને અને નવેસરથી રિઝર્વોયર બાંધવા માટે લગભગ ૧,૦૦૦ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ૯૦ એમએલડી રિપ્લેસમેન્ટ ટાંકી બનાવવાની જરૂર હતી, જેનાથી ૩૮૯ વૃક્ષો પ્રભાવિત થવાના હતા, જેમાં ૨૦૦ વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટેશન માટે હતા. જોકે આઈઆઈટી-બોમ્બેના નિષ્ણાતોએ પાછળથી એવું તારણ કાઢ્યું હતું કે સંપૂર્ણ રિઝર્વોયરનું પુનર્નિર્માણ જરૂરી નથી અને ફક્ત સમારકામ ચાલી રહેશે.

ફેબ્રુઆરી ૨૦૨૪માં નિષ્ણાતોની એક પેનલે એવી ચેતવણી આપી હતી કે વૈકલ્પિક ટાંકી બનાવવામાં નહીં આવે તો તબક્કાવારનું સમારકામ પાણી પુરવઠામાં અડચણ લાવશે. આઈઆઈટી- રૂરકીની ભલામણ પર કામ કરતા પાલિકાએ જમીનનો ઉપયોગ અને પર્યાવરણીય અસરને ઘટાડવા માટે ૩૫-૪૪ એમએલડી ક્ષમતા ધરાવતી સ્કેલ-ડાઉન, ઊભી ટાંકીનો વિકલ્પ પસંદ કર્યો હતો. જોકે સતત થઈ રહેલા વિરોધને પગલે મૂળ પુનર્નિર્માણની યોજના આખરે રદ કરવામાં આવી હતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button