ઓનલાઈન એપ પર ભાડે ઘર લેવાનું મુંબઈના આ કપલને પડ્યું ભારે

મુંબઈઃ મુંબઈ સહિતના શહેરોમાં ભાડાનું ઘર મેળવવું ઘણું જ અઘરું છે. તોતિંગ ભાડું આપવાની તૈયારી છતાં રહેવા ગમે તેવું ઘર મળતું નથી. આ માટે બ્રોકરોને મોટુંમસ બ્રોકરેજ ન આપવું પડે તે માટે ઘણી ઑનલાઈન એપ છે, જે તમને ઘર શોધવામાં મદદ કરે છે. આવી જ એક જાણીતી મોબાઈલ એપ પર ઘર શોધવાનું એક દંપતીને મોંઘું પડ્યું છે.
આ દંપતીએ જાણીતી એપ પરથી ઘર સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. તેમની જરૂરત અનુસાર તેમને પવઈના રાહેજા વિહાર ખાતે એક ફ્લેટ પસંદ પડ્યો હતો. તેમણે ફ્લેટના માલિકને ફોન કર્યો હતો અને ફ્લેટ જોવાનું નક્કી કર્યું હતું.
ફરિયાદી મહિલા જયશ્રી ભાગ્યવાનના પતિ મહેશે આ ફ્લેટ જોયો અને તેમને પસંદ પડતા તેમણે રૂ. 40,000 પહેલા ભાડા પેટે અને બે લાખ ડિપોઝિટમાં ડીલ ફાયનલ કરી હતી અને 1.40 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના પૈસા માટે મકાનમાલિક વારંવાર ફોન કરતો હોવાથી અને અનપેક્ષિત વર્તન કરતો હોવાથી દંપતીને શક ગયો હતો. તેમણે સોસાયટીમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આવા કોઈ વ્યક્તિનો અહીં ફ્લેટ નથી. આ ફ્લેટના માલિક કોઈ બીજા જ છે.
આ પણ વાંચો - આગામી ત્રણથી ચાર કલાક મુંબઈ પર ઘેરાઈ રહ્યું છે સંકટ, હવામાન ખાતાએ કરી આગાહી…
પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણમાં આવતા દંપતીએ પવઈ પોલીસ સ્ટેશનમાં તે શખશ વિરુદ્ધ ફરિયદા નોંધાવી છે.
એક રીતે જોઈએ તો દંપતીએ પહેલા ફ્લેટ વગેરેની ખરાઈ કરી પછી જ પૈસા આપ્યા હતા, પરંતુ જો ભાડાકરાર સમયે પૈસા આપ્યા હોત, તો આધાર કાર્ડ વગેરેની મદદથી પોલીસ તે શખ્શને આસાનીથી શોધી શકી હોત.