આમચી મુંબઈ

મીઠી નદીને પહોળી કરવામાં અડચણરૂપ રહેલા ૬૭૨ બાંધકામનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીઠી નદીને પહોળી કરવામાં અડચણરૂપ થઈ રહેલા ૬૭૨ ઝૂંપડા તથા અન્ય ગેરકાયદે બાંધકામનો તોડી પાડવાની કામગીરી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સતત બે દિવસ હાધ ધરવામાં આવી હતી. પાલિકાની આ કાર્યવાહીને કારણે મીઠી નદીનો લગભગ ૫૦૦ મીટરનો ભાગ ખુલ્લો થઈ ગયો છે અને નદીના પટની પહોળાઈ ૪૦ મીટર પરથી ૧૦૦ મીટર થવામાં મદદ મળશે.


મીઠી નદીને પહોળી કરવાનું અને તેની ઊંડાઈ વધારવાની તેમ જ સુરક્ષા ભીંત બાંધવાનું, સર્વિસ રોડ બાંધવો તેમ જ નાના નાળામાંથી મીઠી નદીમાં છોડવામાં આવતા સ્યુએજ વોટરને અટકાવીને તેને મેઈન સ્યુએજ લાઈનમાં વાળવા જેવા કામ કરવામાં આવી રહ્યા છે. આ પાર્શ્ર્વભૂમિ પર પાલિકા દ્વારા વખતોવખત કાર્યવાહી કરવામાં આવતી રહી છે. ઑક્ટોબર ૨૦૨૩માં બક્ષી સિંગ કમ્પાઉન્ડમાં આવેલા ૧૦૦ મીટર પરિસરને ખુલ્લો કરીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગને હસ્તાંતર કરવામાં આવ્યો હતો. હાલ આ ઠેકાણે ૭૫ ટકા કામ પૂરું થઈ ગયું છે.


એ પ્રમાણે જ મીઠી નદીના પટમાં ઊભા થઈ ગયેલા બાંધકામ તોડી પાડવાનું કામ ૨૯ ફેબ્રુઆરી અને પહેલી માર્ચ, ૨૦૨૪ના કરવામાં આવ્યું હતું. જે હેઠળ ૬૭૨ ઝૂંપડા તેમ જ અન્ય બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીને કારણે ૫૦૦ મીટરનો ભાગ ખુલ્લો થઈ ગયો છે.

હવે આ સંપૂર્ણ પરિસરમાં મીઠી નદીના પટને પહોળું કરવાનું, તેની ઊંડાઈ વધારવાનું, સુરક્ષા ભીંત બાંધવા જેવા કામ કરવામાં આવી રહ્યા છે. મીઠી નદીના પટની પહોળાઈ ૪૦ મીટર પરથી ૧૦૦ મીટર થવાની છે. તેમ જ મીઠી નદીમાં નાખવામાં આવતા સ્યુએજ વોટરને અન્ય સ્થળે વાળવાને કારણે નદીમાં થનારા પ્રદૂષણમાં નિયંત્રણ લાવવામાં મદદ મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button