લાલબાગ ચા રાજાને પહેલા દિવસે મળ્યું આટલું બધુ દાન…
મુંબઇઃ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલુ છે અને આ તહેવાર નિમિત્તે સર્વત્ર ઉત્સાહનો માહોલ છે. ગણેશોત્સવના પ્રથમ દિવસે ગણેશ ભક્તોએ લાલબાગના રાજાને દિલ ખોલીને દાન અર્પણ કર્યું હતું. આ દાનમાં મોટી માત્રામાં રોકડ, સોના અને ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. ગણેશોત્સવ દરમિયાન લાલબાગના રાજાને મળેલા દાનનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં, સામાજિક પણ છે. પ્રાપ્ત દાનનો યોગ્ય ઉપયોગ થાય તે માટે હવે ગણેશોત્સવના આયોજકો દ્વારા આ દાનની ગણતરી કરવામાં આવી રહી છે. સહુથી પહેલા ગણપતિ બાપ્પાને દાનમાં આપવામાં આવેલી રોકડની ગણતરી કરવામાં આવશે, ત્યાર બાદ ગણેશભક્તો દ્વારા લાલબાગના રાજાને સોના-ચાંદીના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા છે તેની ગણતરી કરવામાં આવશે.
મહારાષ્ટ્ર બેંક અને GS મહાનગર બેંકના કર્મચારીઓને લાલબાગના રાજાને આપવામાં આવેલા દાનની ગણતરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ દાનની રકમ અને દાગીનાની ગણતરી પૂર્ણ થતાં જ તેનો ઉપયોગ ગણેશ ભક્તોની સેવા અને સામાજિક કાર્યોમાં કરવામાં આવશે.
ગણેશ ચતુર્થી પહેલા જ અનંત અંબાણીએ લાલબાગચા રાજાને રૂ. 15 કરોડની કિંમતનો 20 કિલોનો અદભૂત સોનાનો મુગટ દાનમાં આપ્યો છે. અનંત અંબાણી, લાલબાગચા રાજા સાથે વર્ષોથી સંકળાયેલા છે.
હંમેશની જેમ આ વર્ષે પણ લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા શનિવાર, 7 સપ્ટેમ્બર, 2024 થી મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024 સુધી લાલબાગચા રાજાના ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.