કૉંગ્રેસના નેતા સુનિલ કેદારને રાહત: સજાને સ્થગિતી આપતાં હાઈ કોર્ટે જામીન મંજૂર કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કૉંગ્રેસના સિનિયર નેતા સુનિલ કેદારને મુંબઈ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે મોટી રાહત આપી છે. તેમણે કેદારની સજાને સ્થગિત કરતાં જામીન મંજૂર કર્યા છે. કેદાર છેલ્લા બાવીસ વર્ષથી જામીન પર હતા અને આ સમયગાળામાં તેમણે ભાગી જવાનો કે પછી કોઈપણ સાક્ષીને ધમકાવવાનો પ્રયાસ કર્યો નહોતો.
જામીનની બધી જ શરતોનું પાલન કર્યું છે, એવી કેદારના વકીલની દલીલોને ખંડપીઠે માન્ય રાખી હતી અને તેમને જામીન આપ્યા હતા. કોર્ટે તેમને કરવામાં આવેલી સજાને સ્થગિતી આપી હોવાથી તેમનું વિધાનસભ્યપદ ફરી બહાલ થાય એવી શક્યતા જોવાઈ રહી છે.
સુનિલ કેદાર બેંકના અધ્યક્ષ તરીકે ખેડૂતોના પૈસાના રક્ષક હતા અને તેમણે કાવતરું કરીને આ ગુનો કર્યો હતો એવો સરકારી પક્ષનો દાવો ખંડપીઠે અમાન્ય રાખ્યો હતો. નાગપુર જિલ્લા મધ્યવર્તી સહકારી બેંકના કૌભાંડ પ્રકરણે સુનિલ કેદાર સહિત પાંચ લોકોને સેશન્સ કોર્ટ દ્વારા પાંચ વર્ષના કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી તેને પડકારતી અરજી હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી.