
મુંબઈ: વિદર્ભને બાદ કરતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળે એવી શક્યતા છે. વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર હેઠળ મહારાષ્ટ્રનાં મુંબઈ, થાણે સહિત મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડના જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે આવતા અઠવાડિયામાં કમોસમી વરસાદના ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. થાણે, પાલઘરમાં આજે અને આવતી કાલે તો મુંબઈ સહિત સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આજથી ચાર એપ્રિલ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ દરમ્યાન મુંબઈ તાપમાનનો પારો ૩૬.૩ ડિગ્રી તો સમગ્ર રાજ્યમાં વિદર્ભનાં ચંદ્રપુરમાં સૌથી ઊંચુ ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હાલ મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, તેમાં પણ વિદર્ભમાં સૂર્ય આગ ઓકી રહ્યો છે. વિદર્ભના મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. મુંબઈમાં પણ શનિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૬.૩ ડિગ્રી અને લઘુતમ ૨૧.૧ ડિગ્રી તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી નોંધાયું હતું. મુંબઈના તાપમાનમાં અચાનક થયેલા વધારા માટે નિષ્ણાતો સ્થાનિક સ્તરની ગરમી અને પવનોને જવાબદાર ગણાવ્યા હતા. એક તરફ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યના અમુક જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચો: ભિવંડીમાં ગોદામમાંથી 23.4 લાખના લેપટોપ ચોરનારા પકડાયા
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુને થઈ છે. ડિસ્ટર્બન્સની અસર હેઠળ સમગ્ર મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે. ડિસ્ટર્બન્સ હાલ દરિયામાં આંદામાન સહિત આજુબાજુના વિસ્તારમાં છે.
આ પણ વાંચો: વાઘ્યા શ્વાનના સ્મારક અંગે ચર્ચા દ્વારા રસ્તો કઢાશે: ફડણવીસ…
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રવિવારે થાણે, પાલઘર, નાશિક, ધુળે, નંદુરબાર, અહિલ્યાનગર, સાતારા, સાંગલી, કોલ્હાપુર અને સિંધુદુર્ગ જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું હોઈ વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે. તો પુણે સહિત મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને મરાઠવાડના અમુક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ પડી શકે છે. તો પહેલી એપ્રિલના વિદર્ભને બાદ કરતા સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પવાની શક્યતા છે.
મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર માટે પહેલી એપ્રિલથી ચાર એપ્રિલ સુધીમાં વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડવાની શક્યતા છે. તો રાજ્યના મોટાભાગના વિસ્તાર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો બે એપ્રિલના સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
માર્ચ મહિનામાં પ્રી-મોન્સૂન શાવર
મુંબઈ, થાણેમાં આજે વરસાદનાં ઝાપટાં પડવાની શક્યતા વચ્ચે માર્ચ મહિનામાં આ અગાઉ પણ અનેક વખત ચોમાસા પહેલાનાં ઝાપટાં પડવાનો ઈતિહાસ રહ્યો છે. અગાઉ માર્ચ ૨૦૨૩માં ૧૭.૧ મિલિમીટર વરસાદ સાથે સૌથી ભીનો માર્ચ નોંધાયો છે. તો એ પહેલા માર્ચ ૨૦૧૬માં ૧૦ મિલિમીટર અને ૨૦૧૫માં ૬.૫ મિલિમીટર વરસાદ પડ્યો હતો.