મુંબઈગરાને રાહત! આ વર્ષે પણ પ્રોપર્ટી ટૅક્સમાં વધારો નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જકાત બંધ થયા બાદ પ્રોપર્ટી ટેક્સ એ મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મહત્ત્વનો સ્રોત ગણાય છે. નિયમ મુજબ દર પાંચ વર્ષે પ્રોપર્ટી ટૅક્સમાં વધારો કરવાનો હોય છે, પરંતુ વર્ષ ૨૦૨૦-૨૧થી તેમાં વધારો કરવામાં આવ્યો નથી.
કરવધારો ૨૦૨૪-૨૫માં અપેક્ષિત હતો, પરંતુ આ વર્ષે પણ તે કરવામાં આવવાનો નથી. મુંબઈ મહાનગરપાલિકાએ તે મુજબનો પત્ર રાજ્ય સરકારના નગર વિકાસ વિભાગને મોકલી આપ્યો છે, જેમાં પાલિકાએ સ્પષ્ટ પણ લખ્યું છે કે રેડી રેકનર મુજબ ફકત એક વર્ષ માટે પ્રોપર્ટી ટૅક્સમાં વધારો કરવો ઉચિત નથી.
આગામી સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે એવા સમયે પ્રોપર્ટી ટૅક્સમાં વધારો કરવાથી તેનો ફટકો ચૂંટણીમાં પડવાનો ભય રાજ્ય સરકારને સતાવી રહ્યો છે, તેથી આ વર્ષે પણ તેમાં વધારો કરવાનો સરકારનો ઈરાદો ન હોવાનું માનવામાં આવે છે. જોકે તેનો ફાયદો નાગરિકોને જ થવાનો છે.
આ પણ વાંચો: ઝૂંપડપટ્ટીમાં કમર્શિયલ સ્ટ્રક્ચર પર પ્રોપર્ટી ટેક્સ વસૂલવાની પાલિકાની યોજના
પાલિકાએ નગરવિકાસ ખાતાને ૨૦૨૪-૨૫ના વર્ષમાં પણ પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવવાનો નથી એવો પત્ર મોકલ્યો છે, તેના પર રાજ્ય સરકાર નિર્ણય લેશે અને ત્યારબાદ તેને લગતો વટહુકમ બહાર પાડશે.
મુંબઈ મહાનગરપાલિકા પોતાના અધિકાર હેઠળ પાંચ વર્ષમાં એક વખત પ્રોપર્ટી ટૅક્સમાં રેડીરેકનર મુજબ વધારો કરે છે. કરમાં વધારો કરવો ન હોય તો તે માટે પણ રાજ્ય સરકારની મંજૂરી લેવાની હોય છે.
વર્ષ ૨૦૨૦-૨૧માં તેમાં વધારો અપેક્ષિત હતો. પરંતુ ૨૦૨૦-૨૧ની સાલમાં કોરોનાને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ટૅક્સમાં વધારો કરવાનું કોઈને કોઈ કારણથી પાછળ ઠલવાતું રહ્યું છે.
થોડા સમય અગાઉ પાલિકા પ્રોપર્ટી ટૅક્સમાં વધારો કરવા બાબતે વિચાર કરી રહી હતી, પરંતુ તેની સામે ચોતરફથી વિરોધ થતા પાલિકા ફરી બેસી ગઈ હતી. હવે સીધુ ૨૦૨૫-૨૬ની સાલમાં આગામી પાંચ વર્ષ માટે પ્રોપર્ટી ટૅક્સમાં વધારો કરવાનું આયોજન હોવાનું કહેવાય છે.