શેરબજારની તેજીને રિલાયન્સ ઇંધણ આપશે?
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર હાલ તેજી પર સવાર છે. મુંબઇ સમાચારની શેરબજારની કોલમમાં આપણે નિફ્ટીની નજર ૨૫,૦૦૦ પર કેમ છે તે વાંચ્યું હતું અને આજે નિફ્ટી એ આ સ્તર બતાવી પણ દીધું છે.
વાસ્તવમાં ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરથી વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા ત્યારથી તેજીનો પવન શરૂ થઈ ગયો હતો અને ગ્લોબલ ઇકવિટી માર્કેટમાં તેની અસર વર્તાઈ છે, જે સ્થાનિક બજારમાં પણ દેખાય છે.
આ સપ્તાહમાં બજાર વધે તેવા ઘણા કારણો ભેગા થયા છે. એક કારણ એ છે કે 30 ઓગસ્ટે જૂન મહિનામાં પુરા થયેલા ત્રિમાસિક ગાળાના GDP ગ્રોથના આંકડા જાહેર થવાના છે જે પ્રોત્સાહક હોવાની ધારણા છે.
આ ઉપરાંત અમેરિકાના ગ્રોથના આંકડા પણ સારા રહેવાની સંભાવના છે. સ્થાનિક સ્તરે ભારતમાં આ વખતે ચોમાસુ ઘણું સારુ રહ્યું છે અને ખાસ તો કંપનીઓના નફા વધી રહ્યા છે.
આ પણ વાંચો: સેન્સેક્સ, નિફ્ટી ગ્રીનમાં, લગાવી 600 પોઈન્ટથી વધુની છલાંગ,નિફ્ટી 25,000ને પાર…
રોકાણકારોની નજર હવે કોર્પોરેટ ક્ષેત્રે ૨૯મી ઓગસ્ટે યોજાનારી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સાધારણ સભા પર મંડાયેલી છે.
બજારના સાધનો અનુસાર આ એજીએમમાં કોઇ મોટી જાહેરાત થવાની સંભાવના છે. રોકાણકારો પણ કંપનીની રેવન્યુ કે ટોપ અને બોટમ લાઈન કરતા આ સંભવિત જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
બજાર ખાસ કરીને જીઓ ને લગતી કોઈ મોટી ખબરના ઇન્તેઝારમાં છે. બજારના સાધનો માને છે કે રીલાયન્સ તરફથી કોઈ પ્રોત્સાહક જાહેરાત શેરબજારની તેજીને ઇંધણ આપી શકે છે.
બ્રિટિશ ફૂટવેર કંપની ક્લાર્કસ સાથે રિલાયન્સ રિટેલના બે વર્ષ જૂના સયુંકત સાહસનો અંત આવી ગયો હોવા સંદર્ભે પણ રોકાણકારો જાણવા માંગે છે.
આ બધા પ્રોત્સાહક કારણોને લીધે શેરબજારમાં તેજી રહેવાની સંભાવના છે. જો કે, રોકાણકારોએ શેરબજારમાં રોકાણ કરતી વખતે તેમના સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જોઇએ.