નાગપુરમાં પકડાયેલા કેરળના સ્ટૂડન્ટ એક્ટિવિસ્ટ પર UAPA: માઓવાદી કનેક્શનની શંકા…

નાગપુર: ‘ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાની તૈયારી’ કરવાના આરોપસર નાગપુરની હોટેલમાંથી પકડાયેલા કેરળના સ્ટૂડન્ટ એક્ટિવિસ્ટ-જર્નલિસ્ટ રેજાઝ એમ. શીબા સીદ્દીક સામે અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ)ની જોગવાઇઓ લાગુ કરવામાં આવી હતી અને કેસની તપાસ એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના શહેર યુનિટને સોંપવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
સીદ્દીકની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખ્યા બાદ નાગપુરની હોટેલમાંથી લગડગંજ પોલીસે 7 મેના રોજ તેની ધરપકડ કરી હતી. તેની ઓનલાઇન પ્રવૃત્તિઓમાં ઉશ્કેરણીજનક પોસ્ટ અને હાથમાં હથિયાર સાથેની ઇમેજનો સમાવેશ હતો, જેને પગલે સીદ્દીક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 149 (ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાની તૈયારી), 192 (હુલ્લડ કરવાના ઇરાદાથી ઉશ્કેરણી કરવી), 351 અને 353 હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
દરમિયાન સીદ્દીકીના કેરળના નિવાસસ્થાને 11 મેના રોજ રેઇડ પાડવામાં આવી હતી અને ત્યાંથી વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. અમે હવે આતંકવાદી સંગઠનના સભ્યપદ અને આવા સંગઠનને ટેકો આપવા સંબંધિત યુએપીએની કલમ 38 અને 39 ઉમેરી છે. લકડગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલો કેસ હવે નાગપુર એટીએસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સીદ્દીકે દાવો કર્યો છે કે તે સ્વતંત્ર પત્રકાર તેમ જ ડેમોક્રેટિક સ્ટૂડન્ટ્સ ઓફ યુનિયનના કેરળ ચેપ્ટરનો હેડ છે, જ્યારે અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે તે પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓવાદી)નો સક્રિય અર્બન કાર્યકર્તા હતો. સીદ્દીક કથિત રીતે ભંડોળ ભેગું કરવામાં, નઝરિયા નામનું જર્નર શરૂ કરવાનો પ્રયાસ કરવામાં અને માઓવાદી વિચારધારાને આગળ વધારવા માટે વિદ્યાર્થીઓના ગુપ્ત ગ્રૂપ્સ બનાવવાનું કામ કરવામાં સામેલ હોવાનો દાવો અધિકારીઓએ કર્યો છે. (પીટીઆઇ)
આપણ વાંચો : મહારાષ્ટ્ર સરકારે નાગપુરમાં 42 એકર જંગલની જમીન હડપ કરવાના પ્રયાસની તપાસના આદેશ આપ્યા